મુંબઈ: ટાટા ગ્રુપના ચેરમેન મુદ્દે મળેલી બોર્ડ બેઠકમાં વિવાદ જોવા મળ્યો હતો. જેમાં એન. ચંદ્રશેખરન આગામી પાંચ વર્ષ સુધી ટાટા ગ્રુપના ચેરમેન તરીકે સેવા આપશે. આ અંગે ટાટા સન્સના બોર્ડે તેમના પાંચ વર્ષના કાર્યકાળ માટે પુન: નિમણૂકને મંજૂરી આપી છે.જ્યારે ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા લઘુમતીમાં રહ્યા હતા.
શેરબજારમાં લિસ્ટિંગની શક્યતાઓ ફરી જીવંત થઈ
આ અંગે મળતી માહિતી મુજબ ટાટા સન્સના બોર્ડે ગુરુવારે એન. ચંદ્રશેખરનની અધ્યક્ષ તરીકે વધુ પાંચ વર્ષના કાર્યકાળ માટે પુનઃનિયુક્તિ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા NBFC રજીસ્ટ્રેશન પરત કરવાની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ટાટા સન્સના શેરબજારમાં લિસ્ટિંગની શક્યતાઓ ફરી જીવંત થઈ છે અને તેવા સમયે જ આ નિર્ણય
લેવામાં આવ્યો છે. તેમજ નિયમનકારી દબાણ વચ્ચે સંભવિત લિસ્ટિંગ અગાઉ વ્યવસ્થાપનમાં સાતત્ય જાળવી રાખવા માટે બોર્ડે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
બોર્ડ બેઠકમાં ટાટા સન્સના ભવિષ્ય અંગે બે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા
ગુરુવારે યોજાયેલી ત્રણ કલાકની બોર્ડ બેઠકમાં ટાટા સન્સના ભવિષ્ય અંગે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ રિઝર્વ બેંકની સૂચનાઓનું પાલન કરીને કંપનીને પબ્લિક (જાહેર) બનાવવાની અને તેને બજારમાં લિસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા લઘુમતીમાં રહ્યા
જ્યારે બીજા નિર્ણયમાં કંપનીના વર્તમાન ચેરમેન એન. ચંદ્રશેખરનનો કાર્યકાળ પાંચ વર્ષ માટે લંબાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન નેતૃત્વ અને લિસ્ટિંગ અંગે સભ્યો વચ્ચે સર્વસંમતિ સાધવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં મતદાન વખતે ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા લઘુમતીમાં રહ્યા હતા કારણ કે અન્ય બોર્ડ ડિરેક્ટરોએ ચંદ્રશેખરનના કાર્યકાળના વિસ્તરણ અને લિસ્ટિંગની તરફેણમાં મતદાન કર્યું હતું.