Fri Jun 26 2026

Logo

હવે ધોરણ 9ના વિદ્યાર્થીઓ ભણશે કટોકટીના પાઠ! પણ 'આમુખ' અને 'સેક્યુલરિઝમ' ગાયબ

2026-06-26 10:27:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: હવે રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) ના ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ઇન્દિરા ગાંધીના કાર્યકાળમાં લાદવામાં આવેલી કટોકટીનો અભ્યાસ કરશે. તેનું કારણ છે કે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી પર ચર્ચા રજૂ કરવામાં આવી છે, જો કે અગાઉના પુસ્તકમાં જેનો ઉલ્લેખ હતો તે બંધારણનું 'આમુખ'  તેમજ  'સેક્યુલરિઝમ' જેવા શબ્દોના સંદર્ભો હટાવી દેવામાં આવ્યા છે.

મળતી વિગતો અનુસાર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અને નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF-SE) 2023 હેઠળ સુધારેલા આ નવા પાઠ્યપુસ્તકમાં બંધારણના નિર્માણ, લોકશાહી સંસ્થાઓ અને મૂળભૂત અધિકારો વિશે ચર્ચા કરવામાં આવી છે, પરંતુ તેમાં આમુખને સ્થાન આપવામાં આવ્યું નથી કે તેની શબ્દાવલી સમજાવવામાં આવી નથી. ધોરણ 9 ના આ નવા અભ્યાસક્રમમાં પ્રથમ વખત કટોકટીનો પરિચય કરાવતા તેને એવા સમયગાળા તરીકે વર્ણવવામાં આવ્યો છે જ્યારે લોકશાહી સંસ્થાઓ ગંભીર દબાણ હેઠળ આવી ગઈ હતી અને નાગરિકોની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી.

આ ફેરફારોને કારણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રાજકીય યુદ્ધ ફરી શરૂ થયું છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ ફેરફારનું સમર્થન કરતા જણાવ્યું હતું કે, ભવિષ્યની પેઢીઓએ કટોકટીની "કાળી કરતૂતો" ને સમજવી જ જોઈએ. બીજી તરફ, કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ પગલું ભાજપની વિભાજનકારી રાજનીતિ થી પ્રેરિત છે અને આ બંધારણીય મૂલ્યો પર સીધો હુમલો છે.

જો કે અગાઉના પાઠ્યપુસ્તક 'ડેમોક્રેટિક પોલિટિક્સ-I' માં બંધારણના નિર્માણને સમજાવવા માટે 'કોન્સ્ટિટ્યુશનલ ડિઝાઇન' નામનું આખું પ્રકરણ આપવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં વિદ્યાર્થીઓને બંધારણીય મૂલ્યોનો પરિચય કરાવવા માટે 'આમુખ' ને મુખ્ય માળખા તરીકે ઉપયોગમાં લેવાયું હતું અને તેને "સમગ્ર બંધારણ જે ફિલસૂફી પર આધારિત છે તે દસ્તાવેજ" ગણાવવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓને "સાર્વભૌમ", "સમાજવાદી", "બિનસાંપ્રદાયિક", "લોકશાહી" અને "પ્રજાસત્તાક" ના અર્થો શીખવવામાં આવતા હતા.