Wed Jun 10 2026

Logo

નેરુળની હોસ્ટેલમાં દેવી-દેવતાઓનું અપમાન: ખ્રિસ્તી નર્સ સામે ગુનો

2026-06-10 19:22:34
Author: Yogesh C. Patel
Article Image

નવી મુંબઈ: ખાનગી હૉસ્પિટલમાં કામ કરતી ખ્રિસ્તી નર્સે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું હોવાની ઘટના નવી મુંબઈમાં બનતાં પોલીસે નર્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. નેરુળ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના નેરુળની હોસ્ટેલમાં પાંચ અને છ જૂને બની હતી. હોસ્ટેલની રૂમમેટે નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

હોસ્ટેલની રૂમમાં રહેતી ફરિયાદીએ નાનું મંદિર પણ રાખ્યું હતું. મંદિરમાં દેવી-દેવતાની મૂર્તિ હતી, જેની તે રોજ નિયમિત રીતે પૂજા કરતી. મે મહિનાના અંતમાં એ જ રૂમમાં રહેવા આવેલી ખ્રિસ્તી નર્સે મંદિર સામે વાંધો ઉઠાવ્યો હતો.

ફરિયાદ અનુસાર પાંચમી જૂને ફરિયાદી રૂમમાં આવી ત્યારે મંદિર તેના સ્થાને નહોતું. જમીન પર એક ખૂણામાં મૂકી દેવામાં આવ્યું હતું અને તેમાંની મૂર્તિઓ પણ જમીન પર પડેલી દેખાઈ હતી. આ અંગે પૂછવામાં આવતાં આરોપી નર્સે ધાર્મિક ભાવના દુખાવનારી વાત કરી હતી. પરિણામે ફરિયાદીએ હૉસ્પિટલ પ્રશાસનને આ બાબતે ફરિયાદ કરી હતી.

પ્રશાસન દ્વારા તાત્કાલિક પગલાં ભરી બીજે દિવસે, છઠ્ઠી જૂને આરોપી નર્સને સસ્પેન્ડ કરી દીધી હતી. આ વાતથી રોષે ભરાયેલી નર્સ પોતાનો સામાન લેવા રૂમમાં આવી ત્યારે હિંસા આચરવાની ધમકી આપી ગઈ હતી.
આ પ્રકરણે ફરિયાદીના ભાઈએ હિન્દુવાદી સંગઠનાનો સંપર્ક સાધ્યો હતો. સંગઠનના કાર્યકરોએ આરોપી નર્સની ધરપકડની માગણી કરી હતી.