Fri Sep 04 2026

Logo

જાતીય સતામણીના કેસમાં પીડિતાએ  ફેરવી તોળતાં યુવકને નિર્દોષ જાહેર કરાયો

2026-06-10 17:08:00
Author: Yogesh D. Patel
જાતીય સતામણીના કેસમાં પીડિતાએ  ફેરવી તોળતાં યુવકને નિર્દોષ જાહેર કરાયો

થાણે: ટ્રાયલ દરમિયાન પીડિતાએ ફેરવી તોળતાં થાણે જિલ્લાની બેલાપુર વિશેષ પોક્સો એક્ટ કોર્ટે જાતીય સતામણીના કેસમાં 19 વર્ષના યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. એડિશનલ સેશન્સ જજ મકરંદ આર. માંડવગડેએ મુંબ્રાના રહેવાસી નીતિન ગણેશ સાળુંખેને ત્રીજી જૂને નિર્દોષ જાહેર કર્યો હતો.

રબાળે પોલીસ સ્ટેશનમાં સાળુંખે સામે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર 18 નવેમ્બર, 2018ના રોજ આ ઘટના બની હતી. સાળુંખે પર પીડિતાનો કોલેજ સુધી પીછો કરવાનો, તેનો મોબાઇલ નંબર માગવાનો અને પીડિતાના ભાઇ પર હુમલો કરવાનો આરોપ હતો.

જોકે કોર્ટમાં જુબાની વખતે પીડિતાએ જણાવ્યું હતું કે તે આરોપીને ઓળખતી નહોતી અને આવી કોઇ ઘટના બની હોવાનો તેણે ઇનકાર કર્યો હતો. તપાસકર્તા પક્ષ આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હોવાનું નોંધીને કોર્ટે સાળુંખેને નિર્દોષ છોડ્યો હતો. (પીટીઆઇ)