ઑપરેશન બ્લુસ્ટારને ટેકો આપ્યો એટલે ભાજપ, આરએસએસનો અંત લાવવા સાથે ‘બદલો’ લેવાનો ધમકીભર્યા ઇમેઇલમાં કરાયો દાવો
મુંબઈ: નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નું મુખ્યાલય, મુંબઈમાં મુખ્ય પ્રધાન કાર્યાલય અને મુંબઈ તથા પુણેમાં મેયરની ઑફિસ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) બિલ્ડિંગ સહિત અન્ય સ્થળોએ બોમ્બધડાકાની ધમકી આપતા ઇમેઇલ મળતાં ખળભળાચ મચી ગયો હતો. ઇમેઇલમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ કરાયો હતો અને ઑપરેશન બ્લુસ્ટાર તથા વૂડરોઝને ટેકો આપ્યો હોવાથી ભાજપ તેમ જ આરએસએસનો અંત લાવવા સાથે ‘બદલો’ લેવાનો દાવો કરવામાં આવ્યો હતો. ધમકીભર્યા ઇમેઇલ મળ્યા બાદ પોલીસ દ્વારા કેટલાક સ્થળોને ખાલી કરાવવામાં આવ્યાં બાદ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
નાગપુરના રેશિમબાગમાં મહાલ વિસ્તારમાં આરએસએસના મુખ્યાલયમાં વિસ્ફોટક પ્લાન્ટ કરાયા છે, એવો દાવો કરતો ઇમેઇલ નાગપુરનાં મેયર નીતા ઠાકરેને પ્રાપ્ત થયો હતો. આની જાણ થયા બાદ પોલીસ અધિકારીઓ તથા બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ કરવામાં આવી હતી. જોકે ત્યાં કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. જોકે સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને સાવચેતીનાં પગલાં તરીકે સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કરાયું હતું.
એ જ પ્રમાણે મુંબઈ મહાનગરપાલિકાને પણ આજે ઇમેઇલ પ્રાપ્ત થયો હતો, જેમાં મુખ્ય પ્રધાન અને મેયરની ઓફિસ સહિત અનેક સ્થળે બ્લાસ્ટની ચેતવણી આપવામાં આવી હતી. પાલિકાના ઘણા સત્તાવાર ઇમેઇલ આઇડી પર ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા, જેને પગલે સુરક્ષા એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઇમેઇલમાં મુખ્ય પ્રધાન અને મેયરની ઓફિસ, પાલિકાની કચેરીઓ અને બીએસઇ બિલ્ડિંગમાં બોમ્બબ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી અને ઇમેઇલમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ કરાયો હતો.
ઇમેઇલમાં સમાન મુદ્દા હતા અને તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈમાં મેયરની ઓફિસમાં બપોરના 1.11 વાગ્યે બોમ્બબ્લાસ્ટ કરવા માટે વિસ્ફોટકો ભરેલી કારનો ઉપયોગ કરવામાં આવશે. ચોક્કસ સમયે મુખ્ય પ્રધાન કાર્યાલય, પાલિકાની ઓફિસો તથા બીએસઇ બિલ્ડિંગમાં પણ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.
પુણેમાં પાલિકાની મુખ્ય ઓફિસ અને મેયરની ઓફિસને પણ બોમ્બબ્લાસ્ટની ધમકીના ઇમેઇલ પ્રાપ્ત થયા હતા, જેને પગલે આખી વહીવટી ઇમારતને ખાલી કરાવવામાં આવી હતી અને બોમ્બ સ્કવોડ દ્વારા સઘન તપાસ કરાઇ હતી.
ઇમેઇલ ખાલિસ્તાન નેશનલ આર્મી તરીકે ઓળખાવતા એક જૂથ દ્વારા મોકલવામાં આવ્યા હોવાનું બતાવવામાં આવ્યું હતું અને પુણે પાલિકાના મેયરની ઓફિસમાં બપોરે 1.11 વાગ્યે, વિધાન ભવનમાં બપોરે 3.11 વાગ્યે અને નાગપુરમાં આરએસએસના મુખ્યાલયમાં બપોરે 3.11 વાગ્યે શ્રેણીબદ્ધ આઇઇડી બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી.
આરએસએસ દ્વારા 1984ના ઑપરેશન બ્લુસ્ટાર અને વૂડરોઝને ટેકો આપવામાં આવ્યો હતો અને તેથી ભાજપ તથા આરએસએસનો અંત લાવવા સાથે બદલો લેવાનો દાવો ઇમેઇલમાં કરવામાં આવ્યો હતો.
ધમકીભર્યા ઇમેઇલને પગલે પુણે પાલિકાના પરિસરમાં આગામી આદેશ સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મુંબઈ અને પુણેમાં પાલિકા મુખ્યાલય તેમ જ મેયરની ઓફિસોમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
(પીટીઆઇ)