ભરત ભારદ્વાજ
નરેન્દ્ર મોદીએ બુધવારે દેશમાં ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે દેશમાં સૌથી લાંબો સમય સત્તા પર રહેવાનો જવાહરલાલ નહેરુનો રેકોર્ડ અંતે તોડી નાંખ્યો. મોદીએ 26 મે 2014ના રોજ પહેલી વાર વડા પ્રધાનપદના શપથ લીધા હતા તેથી બુધવારે તેમના વડા પ્રધાન તરીકેના કાર્યકાળના 4399 દિવસ પૂરા થયા. નહેરુ ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે સળંગ 4398 દિવસ ગાદી પર રહેલા તેથી મોદી તેમને ઓવરટૅક કરીને આગળ નિકળી ગયા છે.
જવાહરલાલ નહેરુ આમ તો સળંગ 17 વર્ષ સુધી વડા પ્રધાનપદે રહેલા પણ તેમાંથી પહેલાં 5 વર્ષ ચૂંટણી લડ્યા વિના વડા પ્રધાનપદે રહેલા. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયા એ પહેલાં જવાહરલાલ નેહરુ 1946માં 4 ઓગસ્ટે વાઇસરોય વેવલે કૉંગ્રેસ પ્રમુખને દેશ માટે વચગાળાની સરકાર બનાવવા માટે આમંત્રણ આપેલું ને નહેરુ કૉંગ્રેસના પ્રમુખ હતા તેથી દેશ આઝાદ થયો ત્યારે નહેરુ આપોઆપ વડા પ્રધાન બની ગયેલા.
આ પહેલી ટર્મમાં નહેરુ 15 ઓગસ્ટ 1947 થી 13 મે 1952 સુધી કુલ 1732 દિવસ વડા પ્રધાનપદે રહ્યા હતા. 1952માં દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી થઈ. અને કૉંગ્રેસ સત્તાવાર રીતે ચૂંટાઈને સત્તામાં આવી પછી નહેરુને કૉંગ્રેસના સાંસદોએ પોતાના નેતા તરીકે પસંદ કર્યા તેથી નેહરુ 13 મે 1952ના રોજ પહેલી વાર ચૂંટાયેલા વડા પ્રધાન બન્યા. એ પછી 27 મે 1964ના રોજ ગુજરી ગયા ત્યાં સુધી એટલે સળંગ 4398 દિવસ ચૂંટાયેલા વડા પ્રધાન રહ્યા.
મોદીની સિદ્ધિ મોટી છે કેમ કે ભારત જેવા વિશાળ દેશમાં સળંગ 12 વર્ષ સુધી વડા પ્રધાનપદે રહેવું બહુ મુશ્કેલ છે. ભારતના ઈતિહાસમાં નહેરુ પછી મોદી જ એવા વડા પ્રધાન છે કે જે સળંગ ત્રણ ટર્મ માટે વડા પ્રધાન બન્યા હોય. ઈન્દિરા 15 વર્ષ વડાં પ્રધાનપદે રહ્યાં પણ એ પણ સળંગ ત્રણ ટર્મ માટે તો ચૂંટાયાં નહોતાં.
મોદીની સિદ્ધિની ભાજપ જોશભેર ઉજવણી કરી રહ્યો છે ને દેશભરમાં મોદીના લાંબા આયુષ્ય માટે એનડીએ-ભાજપના નેતા, સાંસદો, કેન્દ્રીય મંત્રીઓ અને કાર્યકરો પણ મંદિરોમાં પૂજા કરી રહ્યા છે, હવન કરી રહ્યા છે ત્યારે કૉંગ્રેસે અવળવાણી ઉચ્ચારી છે અને દૂધમાંથી પોરા કાઢીને વાહિયાત વાતો કરી છે. કૉંગ્રેસનું કહેવું છે કે, મોદી પોતાની જાતે સિદ્ધિ મેળવી હોવાની ડંફાશ મારી રહ્યા છે પણ વાસ્તવમાં આવો કોઈ રેકોર્ડ જ નથી એ જોતાં આ સ્વયંઘોષિત અને શંકાસ્પદ રીતે ઠોકી બેસાડાયેલી સિદ્ધિ છે.
કૉંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે મોદી અને મોદી સરકારે સામે બહુ બધા બળાપા કાઢ્યા છે. રમેશે મોદી ભારતના ગળામાં ‘ઘંટીનું પડ’ બની ગયા છે ત્યાંથી માંડીને મોદીના કાર્યકાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છે, બંધારણીય સંસ્થાઓને કઠપૂતળી બનાવીને તેમનું અવમૂલ્યન કરાવી દેવાયું છે ત્યાં સુધીના આક્ષેપો કર્યા છે. જયરામ રમેશે ઘણું બધું કહ્યું છે ને તેમાં એક વાત સાચી છે કે, નહેરુ સળંગ ત્રણ વાર સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટાઈને વડા પ્રધાન બનેલા જ્યારે મોદીને છેલ્લી ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી નહોતી મળી.
આ વાત સાચી છે પણ હાસ્યાસ્પદ છે કેમ કે વડા પ્રધાન તરીકે કાર્યકાળની ગણતરીમાં સ્પષ્ટ બહુમતી વિના ગાદી પર બેસનારનો કાર્યકાળ પણ ગણાય જ છે. કૉંગ્રેસે ટોણો જ મારવો જ હતો તો નહરુ 17 વર્ષ વડા પ્રધાન રહેલા જ્યારે મોદીને હજુ 12 જ વર્ષ થયાં છે એ મુદ્દે મારી શકી હોત. ભાજપ પોતે નક્કી કરેલા માપદંડને આધારે મોદીને દેશના સૌથી મહાન વડા પ્રધાન ગણાવી રહ્યો છે તો કૉંગ્રેસ પોતાના માપદંડને આધારે નહેરુને સૌથી મહાન ગણાવી શકે એ જોતાં આ વાત તાર્કિક પણ લાગે પણ સ્પષ્ટ બહુમતીવાળો મુદ્દો ગળે ઊતરે એવો જ નથી.
કૉંગ્રેસે બીજી જે પણ વાતો કરી છે એ તો સાવ હાસ્યાસ્પદ જ છે ને કેટલીક વાતો તો બુદ્ધિના પ્રદર્શન જેવી જ લાગે. જે પક્ષની સરકારે લોકશાહીનું ગળું ટૂંપી નાખવા માટે કટોકટી લાદી હોય એ પક્ષ લોકશાહીની વાતો કરે તેનાથી વધારે હાસ્યાસ્વદ બીજું શું હોય ? કૉંગ્રેસના નેતાઓએ દર્પણમાં જોવું જોઈએ ને ઈન્દિરા ગાંધીની સત્તાલાલસા સંતોષવા માટે લદાયેલી કટોકટી વખતે લોકશાહીની શું વલે કરાયેલી એ યાદ કરવું જોઈએ. મોદીએ હજુ સુધી તો એવું કોઈ કલંકિત પ્રકરણ લખ્યું નથી.
રમેશે નહેરુના સમયમાં ભારતે કેવાં મહાન કામો કરેલાં તેની કથા પણ કરી છે ને સામે મોદીના શાસનમાં બધું રસાતળ ગયું હોવાનો આક્ષેપ પણ કર્યો છે. નહેરુએ આઝાદી પછી દેશને સબળ નેતૃત્વ પૂરું પાડીને દેશના વિકાસનો પાયો નાંખેલો તેથી તેમને જશ આપવામાં કશું ખોટું નથી પણ મોદી સરકારના 12 વર્ષના શાસનમાં કશું થયું જ નથી એમ કહેવું પણ યોગ્ય નથી.
મોદી સરકાર આર્થિક મોરચે નિષ્ફળ છે પણ જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ 370ની નાબૂદી સહિતના ઘણા નિર્ભિક રાજકીય નિર્ણયો લીધા છે તેમાં બેમત નથી. કૉંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણના ભાગરૂપે ટ્રિપલ તલાક જેવા મુસ્લિમ સ્ત્રીઓને હવસનું રમકડું બનાવી દેતી બકવાસ પ્રથાઓ સામે આંખ આડા કાન કરેલા. મોદી સરકારે આ પ્રથાને નાબૂદ કરતો કાયદો બનાવીને મુસ્લિમ સ્ત્રીઓ પણ આ દેશમાં સમાન અધિકારો ભોગવે છે તેનો અહેસાસ કરાવીને બહુ મોટું કામ કર્યું છે.
મોદીના શાસનમાં સામાન્ય લોકોને ફાયદો કરાવે એવી આયુષ્યમાન ભારત સહિતની સંખ્યાબંધ કલ્યાણ યોજનાઓ અમલી બની છે. મધ્યમ વર્ગને ઘરનું ઘર બનાવવામાં મદદ માટે વ્યાજ સબસિડી અને ખુલ્લામાં શૌચ બંધ કરાવવા માટે ઘરે શૌચલયો માટે સહાય આપવા સહિતના મહત્ત્વના નિર્ણયો પણ સળંગ 4399 દિવસ વડા પ્રધાનપદે રહેવાના કાર્યકાળ દરમિયાન લેવાયા જ છે.
આ તો થોડાક યાદ આવ્યા એ નિર્ણયોની વાત કરી પણ બીજા ઘણા નિર્ણયો એવા છે કે જેના કારણે સામાન્ય લોકોને ફાયદો થયો હોય. મોદી સરકારે દેશનું ઈન્ફ્રાસ્ટ્રક્ટર સુધારવા માટે પણ ઘણાં મોટાં પગલાં ભર્યાં છે એ જોતાં 12 વર્ષના શાસનમાં મોદીએ દેશનું ધનોતપનોત કાઢી નાંખ્યું એવી ટીકા કરવી યોગ્ય નથી. આવી ટીકા ખરેખર તો દેશના જનાદેશનું અપમાન કહેવાય. કૉંગ્રેસે આ અપમાનથી દૂર રહેવું જોઈએ.
મોદી સરકાર જે કંઈ કરે એ સાચું જ કરે ને સારું જ કરે એવા ડાબલા ચડાવીને ગમારની જેમ વખાણ કર્યા કરવાની અંધભક્તિ લોકશાહીમાં ના ચાલે. મોદી સરકારની ખોટી નીતિ કે કોઈ ખોટા નિર્ણયની ટીકા કરો તેમાં કંઈ ખોટું નથી. લોકશાહી દેશમાં સૌને એ અધિકાર છે. કૉંગ્રેસ તો દેશનો મુખ્ય વિપક્ષ છે તેથી કૉંગ્રેસ પણ એવી ટીકા કરી શકે પણ ટીકા પણ હકારાત્મક હોવી જોઈએ. બાકી મોદી કે ભાજપ કંઈ પણ કરે કે કહે તેનો વિરોધ કરવા કૂદી પડો તેમાં ભૂંડા લાગો છો.