Sun Sep 06 2026

Logo

ભુજ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ વાતાનુકુલિત ‘નમો ભારત’ રેપિડ રેલ પુનઃ શરૂ

2026-04-07 10:51:00
Author: Mumbai Samachar Team
ભુજ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ વાતાનુકુલિત ‘નમો ભારત’ રેપિડ રેલ પુનઃ શરૂ

ભુજઃ કચ્છ અને અમદાવાદ વચ્ચે દોડતી દેશની પ્રથમ અને મુસાફરોની માનીતી એવી ‘નમો ભારત’ રેપિડ રેલનું સંચાલન પશ્ચિમ રેલવે દ્વારા ફરી એકવાર શરૂ કરી દેવામાં આવ્યું છે. મેઈન્ટેનન્સના કારણોસર છેલ્લા એક મહિનાથી બંધ રખાયેલી આ અત્યાધુનિક વાતાનુકુલિત ટ્રેન ઉનાળુ વેકેશન ટાંકણે પાટા પર પરત ફરતા પ્રવાસી વર્ગમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

રેલવે વિભાગ દ્વારા ગયા ફેબ્રુઆરી મહિનાના અંતમાં ‘નમો ભારત’ રેપિડ રેલને એક માસ માટે મેઈન્ટેનન્સમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, આ મેઈન્ટેનન્સ પાછળનું કોઈ ચોક્કસ ટેકનિકલ કારણ જાહેર કરવામાં આવ્યું ન હતું. આ સમયગાળા દરમિયાન પ્રવાસીઓની સુવિધા માટે રેલવે દ્વારા ‘નમો ભારત’ના નિર્ધારિત સમયપત્રક મુજબ જ મેમુ ટ્રેન દોડાવવામાં આવતી હતી.વચગાળાના સમયમાં દોડાવવામાં આવેલી મેમુ ટ્રેન નોન-એસી હોવા છતાં મુસાફરોને સમયસર અમદાવાદ પહોંચાડતી હતી, પરંતુ ‘નમો ભારત’ જેવી એરકંડીશનીંગ સુવિધાનો અભાવ વર્તાતો હતો. હવે ટ્રેનનું જરૂરી મેઈન્ટેનન્સ પૂર્ણ થઈ જતાં, રેલવેએ ફરીથી મૂળ એસી કોચ સાથેની રેપિડ રેલ શરૂ કરી દીધી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, દેશની આ પ્રથમ રેપિડ રેલ તેના ઝડપી અંતર અને સુવિધાઓને કારણે પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની છે. ટ્રેન પુનઃ શરૂ થવાથી ધંધાર્થે કે અન્ય કામકાજ માટે અમદાવાદ જતા કચ્છના મુસાફરોને હવે ફરીથી આરામદાયક અને વાતાનુકૂલિત સફરનો લાભ મળશે.

(ઉત્સવ વૈદ્ય)