Fri May 01 2026

Logo

માધાપરના શ્રમિકો સાથે છેતરપિંડી: રશિયામાં કલરકામ માટે મોકલવાના નામે લાખોની ઠગાઈ

2026-05-01 14:11:00
Author: MayurKumar Patel
Article Image

ભુજઃ વિદેશ જવાની ઘેલછામાં શ્રમિકો ઠગાઈનો ભોગ બન્યા હોવાનો વધુ એક કિસ્સો ભુજના માધાપર ગામે પ્રકાશમાં આવ્યો છે. કલરકામ માટે રશિયા મોકલવાના બહાને રાજસ્થાનના એક એજન્ટે માધાપરના શ્રમિકો પાસેથી રૂા. ૪.૫૦ લાખ પડાવી લઈ નકલી વિઝા અને ટિકિટ પધરાવી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ માધાપર પોલીસ મથકે નોંધાઈ છે.

શું છે મામલો

માધાપરના બિપિન ભટ્ટ નગરમાં રહેનારા અને કલરકામ કરતા જિતેન્દ્ર હવાસિંહ રાઠીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, બે વર્ષ પૂર્વે તેમના મિત્ર વીરેન્દ્ર મારફતે રાજસ્થાનના ઝુંઝુનુના રહેવાસી એજન્ટ વિકાસ ખેદર (ચૌધરી) સાથે સંપર્ક થયો હતો. એજન્ટ વિકાસે શ્રમિકોને રશિયામાં કલરકામના કામ અર્થે વિઝા કરાવી આપવાની ખાતરી આપી હતી. આ પ્રલોભનમાં આવીને ફરિયાદી અને અન્ય સાહેદોએ વિઝા પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો તેમજ અલગ-અલગ તારીખે કટકે-કટકે કુલ રૂા. ૪,૫૦,૦૦૦ એજન્ટને ચૂકવ્યા હતા.

નાણાં મેળવ્યા બાદ આરોપી વિકાસે વોટ્સએપ પર ફ્લાઇટની ટિકિટ અને ઇ-વિઝા મોકલી આપ્યા હતા. જોકે, શ્રમિકોએ જ્યારે આ દસ્તાવેજોની ખરાઈ કરી ત્યારે ટિકિટ અને વિઝા બંને બોગસ હોવાનું બહાર આવ્યું હતું. છેતરપિંડી થઈ હોવાનું જણાતા શ્રમિકોએ પોતાના નાણાં પરત માંગ્યા હતા, પરંતુ આરોપીએ ઉડાઉ જવાબો આપી બાદમાં પોતાનો ફોન બંધ કરી દીધો હતો.

માધાપર પોલીસે આ મામલે એજન્ટ વિકાસ ખેદર વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(ઉત્સવ વૈદ્ય)