મુંબઈ: નાલાસોપારામાં ઝવેરીની દુકાનનું શટર તોડીને લાખો રૂપિયાના સોના-ચાંદીનાં ઘરેણાં અને સીસીટીવી કેમેરાનું ડીવીઆરની ચોરીનો કેસ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢી બે રીઢા આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ચાંદીનાં ઘરેણાં તથા કાર જપ્ત કરાઇ હતી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3 (વિરાર)ના અધિકારીઓએ ઝડપી પાડેલા આરોપીઓની ઓળખ કાંદિવલી પૂર્વમાં રહેતા રાજેશ બબન કદમ (36) અને મીરા રોડના મહાવીર જોરસિંહ કુમાવત (36) તરીકે થઇ હતી. આરોપીઓ વિરુદ્ધ તુલિંજ, દિંડોશી, તુર્ભે, પનવેલ, કાસારવડવલી, કાપુરબાવડી અને માણિકપુર પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે.
નાલાસોપારા પૂર્વમાં મોરેગાંવ નાકા ખાતે જીવનજ્યોત અપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ઝવેરીની દુકાનમાં 10 ઑગસ્ટ, 2026ની મોડી રાતે ચોરી થઇ હતી. શટર તોડી દુકાનમાં ઘૂસેલા આરોપીઓ સીસીટીવી કેમેરાનું ડીવીઆર, સોના-ચાંદીનાં ઘરેણાં અને સ્ટોન સહિત 9.05 લાખ રૂપિયાની મતા ચોરી ફરાર થયા હતા. બીજે દિવસે ચોરીની આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તુલિંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધર્યા બાદ ગુનામાં સામેલ બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપી રાજેશ કદમ વિરુદ્ધ મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનમાં 37 ગુના, જ્યારે મહાવીર કુમાવત સામે 12 ગુના દાખલ છે.