મુઝફ્ફરપુરઃ ભારતમાં આગની ઘટનાઓ સતત વધી રહી છે. ગઈકાલે દિલ્હીમાં ભીષણ આગની ઘટના બની હતી. જેમાં અનેક લોકો જીવતા ભડથું થયાં હતાં. અત્યારે ફરી એક આગની ઘટના પ્રકાશમાં આવી છે. બિહાર રાજ્યમાં મુઝફ્ફરપુરના બ્રહ્મપુરામાં આવેલ પ્રસાદ હોસ્પિટલમાં આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આગની આ ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગી ત્યારે આઈસીયુમાં ભરતી થયેલા 3 લોકોનું મોત પણ થયું છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની 12 ગાડીઓ કામે લાગી ગઈ છે.
હોસ્પિટલના પાંચમાં આઈસીયૂ વોર્ડમાં થયો શોર્ટ સર્કિટ
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આઈસીયુ વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ લાગી તે વોર્ડ હોસ્પિટલના પાંચમાં માળે આવેલો છે. દર્દીઓના અકાળે મોત થયા તેના કારણે પરિવાર ભારે આક્રંદ કરી રહ્યો છે. આ લાગ્યાની જાણ થતાની સાથે જ એસએસપી, ડીએમ સહિત અનેક મોટા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતા. અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હોવાનું પણ અધિકારીઓએ જણાવ્યું છે.
હોસ્પિટલમાં ફાયર કંટ્રોલ સિસ્ટમ કામ ના કરી હોવાનો આક્ષેપ
આ ઘટના મામલે પરિવારનો આક્ષેપ છે કે, હોસ્પિટલમાં ફાયર કંટ્રોલ સિસ્ટમ કામ નથી કરી રહી! આગની જાણ થતાની સાથે હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. દર્દી અને પરિવારજનો કોઈને કોઈ રીતે જીવ બચાવીને હોસ્પિટલની બહાર નીકળી ગયાં હતાં. તેમ છતાં આઈસીયુ વોર્ડમાં વધારે ધુમાડો હોવાના કારણે શ્વાસ રૂંધાતા ત્રણ દર્દીઓના મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે.
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે, આઈસીયૂ વોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી અને આગળ ફેલાઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિકોએ આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરી અને 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનાઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ હોસ્પિટલમાં દાખલ થયેલા અનેક દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.