મુંબઈઃ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનોની રેગ્યુલર મોડી પડવાને કારણે ત્રણેય લાઈનના પ્રવાસીઓ પરેશાન રહે છે, પરંતુ આજે ગાર્ડ્સ દ્વારા રેલવે પ્રશાસનની સામે બાંયો ચઢાવતા પીકઅવર્સમાં લોકલ ટ્રેનની સર્વિસ પર અસર થઈ હતી. રેલવેના સેફ્ટી સર્ક્યુલરના વિરોધમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ખાતે ટ્રેન મેનેજર (ગાર્ડ) સંગઠન દ્વારા 'વર્ક ટુ રૂલ' (નિયમ મુજબ કામ) વિરોધ પ્રદર્શનને કારણે આજે પાંચ-છ વાગ્યાની આસપાસ લોકલ ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ હતી, પરિણામે પ્રવાસીઓને ગીચ ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.
આ આંદોલનને પરિણામે સાંજના ભીડના કલાકો દરમિયાન ઘણી લોકલ ટ્રેન સેવાઓ રદ કરવી પડી હતી. ગાર્ડ યા મોટરમેન કોઈ પણ રેગ્યુલર કામ કરે તો પણ લોકલ ટ્રેનો નિયમિત રીતે મોડી દોડતી રહે છે. સાંજના પીકઅવર્સમાં અચાનક ટ્રેનો રદ કરવામાં આવે તો એની અસર સીધી પ્રવાસીઓ પર પડે છે, પરંતુ એના અંગે પ્રશાસન આંખ આડા કાન કરે છે. આજે સાંજથી શરૂ થયેલા પ્રદર્શનને કારણે સીએસએમટીથી પનવેલ/કલ્યાણ એમ બંને કોરિડોરની ટ્રેનસેવા પર અસર થઈ હતી. સીએસએમટી, દાદર, કુર્લા, ઘાટકોપર સહિત અનેક સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ એટલી બધી પ્લેટફોર્મ પર ચાલવાની જગ્યા નહોતી, જ્યારે અમુક ટ્રેનો અડધોથી પોણો કલાક મોડી પડતા ટ્રેનોમાં પણ ખીચોખીચ ભરેલી હતી
મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે, ગાર્ડની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રેલવે સત્તાવાળાઓ અને ટ્રેન મેનેજરોના પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. જોકે, તેઓ વહેલી તકે સામાન્ય લોકલ કામગીરી પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મધ્ય રેલવેના સેફ્ટી સર્ક્યુલર નંબર પંદર સેન્ટ્રલ રેલવે દ્વારા ૭ મેના જારી કરાયેલા આ નવા પરિપત્રમાં જનરલ એન્ડ સબસિડિયરી રૂલ્સ ૨૦૨૦ની આવૃત્તિ હેઠળ ગાર્ડ (ટ્રેન મેનેજર) અને મોટરમેન/લોકો પાયલટ વચ્ચે બદલાતા બેલ કોડ સિગ્નલને લગતી જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો હતો.
આ નવો નિયમ મુખ્યત્વે ટ્રેન પ્લેટફોર્મ ઓળંગી જાય નહીં (overshooting અથવા સ્પેડ) તે હેતુથી લાવવામાં આવ્યો છે. એક ટ્રેનના ગાર્ડે જણાવ્યું હતું નવા નિયમના વિરોધમાં સીએસએમટી ખાતેના કેટલાક ટ્રેન મેનેજરોએ સુધારેલી પ્રક્રિયાઓનું ચુસ્તપણે પાલન કરવાનું શરૂ કર્યું, જેનાથી કામગીરી પર અસર પડી. જોકે, નવા સુધારેલા નિયમ મુજબ ટ્રેન મેનેજરોએ નિર્ધારિત સ્ટોપ પહેલાં એડવાન્સ વોર્નિંગ બેલ સિગ્નલ આપવું જરૂરી છે, જેથી મોટરમેન અગાઉથી નોંધી શકે કે ટ્રેન આગામી સ્ટેશન પર રોકવાની છે.
પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે જો મોટરમેન તરફથી કોઈ પ્રતિસાદ ન મળે તો જ્યારે ટ્રેન સ્ટેશન પર નિર્ધારિત ગતિ કરતા વધુ ઝડપે આવી રહી હોય ત્યારે ગાર્ડે બ્રેક લગાવવી જ જોઈએ. અધિકારીએ જણાવ્યું હતું કે નવો નિયમ સુરક્ષાના કારણસર કરવામાં આવ્યો છે. આ અગાઉ બદલાપુરની ફાસ્ટ લોકલ ટ્રેન વિક્રોલીમાં સ્ટેશન બહાર ચાર કોચ નીકળી ગયા હતા. સ્પેડ (સિગ્નલ પાસિંગ)ને કારણે મોટો અકસ્માત પણ સર્જાય શકે છે, તેથી નવા સુધારા કરવામાં આવ્યા છે. આ મુદ્દે રેલવેએ નેશનલ રેલવે મજદૂર યુનિયન (એનઆરયુએમ) સાથે બેઠક બોલાવી છે, જેમાં ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અહીં એ જણાવવાનું કે મધ્ય રેલવેમાં ચાર સબર્બન કોરિડોર (મેઈન લાઇન, હાર્બર લાઇન, ટ્રાન્સ-હાર્બર લાઇન અને બેલાપુર-ઉરણ લાઇન) પર આશરે ૨,૩૦૦ લોકલ સેવાઓ ચલાવે છે. દરરોજ ૪૦ લાખથી વધુ મુસાફરો આ લોકલ ટ્રેનોમાં મુસાફરી કરે છે.