Sat Jul 04 2026

Logo

વીક-એન્ડમાં વરસાદ ઑવરટાઈમ કરવાનો છે: રેડ અલર્ટ જાહેર

2026-07-03 21:35:10
Author: Yogesh C. Patel
Article Image

મુંબઈ, થાણે, પાલઘરમાં મેઘતાંડવની છે આગાહી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: છેલ્લા પાંચ દિવસથી સતત વરસતા વરસાદે મુંબઈને ધમરોળી નાખ્યા પછી આગામી બે દિવસ પણ વરસાદનું જોર વધવાનો વર્તારો છે. વેધશાળાએ શનિવાર અને રવિવારે મુંબઈ, થાણે અને પાલઘરમાં મુશળધાર વરસાદની આગાહીને પગલે રેડ અલર્ટ જાહેર કર્યું છે. પરિણામે આ બન્ને દિવસે મુંબઈગરાએ અત્યંત જરૂરી કામ વિના ઘરબહાર નીકળવાનું ટાળવું જોઈએ.

ખાસ્સા વિલંબ પછી 10 દિવસ પહેલાં મુંબઈમાં ચોમાસાનું વિધિવત આગમન થયું હતું. આગમન સાથે જ વરસાદે પોતાનું સ્વરૂપ દેખાડી દીધું હતું. એમાંય છેલ્લાં પાંચ દિવસથી તો વરસાદનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. ગુરુવારની રાતથી શુક્રવારની સવાર સુધી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો.

ઈન્ડિયન મેટ્રોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (આઈએમડી)એ શુક્રવારે જાહેર કરેલી સૂચના અનુસાર શનિવાર અને રવિવારે મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પરિણામે આ બન્ને દિવસે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વેધશાળા અનુસાર શનિવારે રાયગડમાં પણ રેડ અલર્ટ હોવાથી નાગરિકોએ સાવચેતી રાખવી. સોમવારે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડમાં ઑરેન્જ અલર્ટ છે તો મંગળવારે યલો અલર્ટ. એટલે કે આ દિવસોમાં જોરદાર વરસાદ પડવાની શક્યતા છે. મુંબઈના અમુક ભાગોમાં અતિવરસાદની વરસાદની પણ આગાહી વેધશાળાએ કરી હતી.

ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે બનેલી ઉપરાઉપરી બે દુર્ઘટનામાં 11 વર્ષના બાળક સહિત બે જણે જીવ ગુમાવ્યા હતા. બુધવારે ચેમ્બુર પરિસરમાં વિશાળ વૃક્ષ સ્કૂલ પર તૂટી પડવાથી વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. પછી ગુરુવારે સાકીનાકા પરિસરમાં ખુલ્લા મેનહૉલમાં પડી જવાથી પંચાવન વર્ષના અસલમ શેખનું મોત નીપજ્યું હતું.