ઝાડ,ઘર તૂટી પડયા: વિક્રોલી, પવઈમાં સાડા નવથી સાડા દસ ઈંચ વરસાદ:
પાણી ભરાયાં, ટ્રાફિક-ટ્રેનો ખોરવાયા:
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુશળધાર વરસાદે ફરી એક વખત મુંબઈ સહિત સમગ્ર મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારને ધમરોળી નાખ્યું હતું. આખી રાતના વરસાદની સાથે જ દિવસભર વરસાદ સતત ચાલુ રહ્યો હતો. બપોરના દરિયામાં ભરતી હોવાથી અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. રેલવેની સાથે જ રોડનો ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ભારતીય હવામાન વિભાગે આપેલા રેડ અલર્ટને પગલે બપોરના સત્રની સ્કૂલ, કૉલેજો બંધ રહી હતી. ધોધમાર વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો અને ઘર તૂટી પડવાના, ભાંડુપ રસ્તો ધસી જવાના બનાવ બન્યા હતા. વરસાદને કારણે બે લોકો જખમી થયા હતા. હવામાન વિભાગે રવિવાર માટે રેડ અલર્ટ આપીને આવશ્યકતા ન હોય તો ઘરની બહાર નહીં નીકળવું એવી સલાહ આપી છે.
મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ સતત પડી રહ્યો છે. આ વખતે ચોમાસાની મોડી શરૂઆત પછી હવે ચોમાસું જામ્યું છે. શનિવાર સવારના આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધીમાં મુંબઈમાં સૌથી વધુ વરસાદ પૂર્વ ઉપનગરના વિક્રોલી પશ્ર્ચિમમાં ૨૬૩ મિ.મી. (સાડા દસ ઈંચ), વિક્રોલી (પૂર્વ)માં ૨૫૦ મિ.મી. પડયો હતો. પવઈમાં ૨૪૯.૬ મિ.મી., ભાંડુપમાં ૨૪૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તો પશ્ર્ચિમ ઉપનગરમાં આ સમય દરમ્યાન અંધેરીમાં ૨૧૭.૨ મિ.મી., મલાડ-ચિંચોલીમાં ૨૩૪ મિ.મી., કાંદિવલીમાં ૨૨૮ મિ.મી., જોગેશ્ર્વરીમાં ૨૧૯.૪ મિ.મી. અને શહેરમાં મલબાર હિલમાં ૧૭૪.૮ મિ.મી., લોઅર પરેલમાં ૧૭૦.૬ મિ.મી., પરેલમાં ૧૬૭ મિ.મી., વરસાદ નોંધાયો હતો.
શહેરમાં સરેરાશ ૯૯ મિ.મી વરસાદ પડ્યો, જ્યારે પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરોમાં અનુક્રમે ૯૮ મીમી અને ૯૪ મિ.મી. વરસાદ નોંધાયો. દિવસભર ધોધમાર વરસાદ ચાલુ રહ્યો હતો. શનિવારે સવારે આઠ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં પૂર્વીય ઉપનગરોમાં ૧૨૫ મિ.મી. વરસાદ સાથે સૌથી વધુ વરસાદ પડ્યો, ત્યારબાદ પશ્ર્ચિમ ઉપનગરોમાં ૧૧૧ મીમી, જ્યારે દક્ષિણ મુંબઈમાં ૪૭ મિ.મી. વરસાદ પડ્યો હતો.
અવિરત વરસાદને કારણે અંધેરી, સાકીનાકા, કુર્લા, ચેમ્બુર-છેડા નગર, પવઈ, ભાંડુપ, વિક્રોલી, મુલુંડ, વિલેપાર્લે, સાંતાક્રુઝ, માટુંગા, ઘાટકોપર, ગોરેગાંવ અને દહિસરમાં પાણી ભરાઈ જતા ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. રેલવે પાટા પર પાણી ભરાઈ જતા ઉપનગરીય રેલવે સેવા ૧૫થી ૩૦ મિનિટ મોડી દોડી રહી હતી.
હવામાન વિભાગે મુંબઈ અને થાણે માટે રવિવાર સુધી રેડ અલર્ટ લંબાવ્યું છે, જેમાં પાલઘર સોમવાર સવાર સુધી રેડ અલર્ટ રહેશે. તેથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ મેટ્રોપોલિટન રિજન અને પુણે-નાશિકના રહેવાસીઓને બિન-આવશ્યક મુસાફરી ટાળવા અને છ જુલાઈ સુધી સત્તાવાર હવામાન સલાહનું કડક પાલન કરવાની અપીલ કરી છે.