મુંબઈ: મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈ અને થાણે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી કેટલાક કલાકોમાં વરસાદ વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે તેવી શક્યતા છે. મુશળધાર વરસાદને કારણે મુંબઈની લાઇફલાઈન ગણાતી લોકલ ટ્રેનો અને રસ્તા પર ખરાબ વિઝિબિલિટીને કારણે રસ્તા પણ ટ્રાફિકજામ થતા સતત દોડતા રહેતાં મુંબઈ શહેરની ગતિ પણ મંદ પડી ગઈ છે.
વાહનવ્યવહાર ખોરવાયો:
સતત પડી રહેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. અંધેરી સબવેમાં પાણી ભરાઈ જવાના કારણે ત્યાંથી થતી વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. સાયન, દાદર અને ગાંધી માર્કેટ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે.
લોકલ ટ્રેનો મોડી:
મુંબઈમાં વરસી રહેલા અનરાધાર વરસાદની અસર મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પર પણ જોવા મળી છે. પશ્ચિમ અને મધ્ય રેલવે પર લોકલ ટ્રેનો 20થી 25 મિનિટ અને હાર્બર લાઈનની ટ્રેનો 5થી 10 મિનિટ મોડી દોડી રહી છે. સવારે ધસારાના સમયે જ લોકલ ટ્રેનો મોડી પડતા લાખો પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
મહાનગરપાલિકા સજ્જ:
મુંબઈ મહાનગરપાલિકાએ પાણીના નિકાલ માટે પમ્પિંગ સિસ્ટમ તૈયાર રાખી છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 196 જાહેર કરવામાં આવ્યો છે.
24 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ:
છેલ્લા 24 કલાકમાં મુંબઈ શહેરમાં 100 મીમી કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે. રવિવાર સુધીમાં મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પાલઘરમાં 200 મીમીથી વધારે અતિભારે વરસાદ પડવાની સંભાવની પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
મુંબઈના મેયર રીતુ તાવડેએ નાગરિકોને અપીલ કરી છે કે ખૂબ જ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળવું અન્યથા ઘરે જ સુરક્ષિત રહીને પ્રશાસનને સહયોગ કરો.