કંપનીના સંચાલક સહિત ચારની ધરપકડ: બે કાર, 12 લાખની રોકડ જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૉન્ઝી-એમએલએમ સ્કીમ્સ મારફત સેંકડો રોકાણકારો સાથે 30 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવા બદલ મુંબઇ પોલીસના ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) કંપનીના સંચાલક સહિત ચાર જણની ધરપકડ કરી હતી. આરોપીઓ રાજ્યના વિવિધ જિલ્લામાં સેમિનાર આયોજિત કરીને લોકોને રોકાણ યોજના સંબંધી માહિતી આપતા હતા અને જાહેરાત આપી લોકોને યોજનામાં રોકાણ પર સારા વળતરની લાલચ આપતા હતા.
પોલીસે ધરપકડ કરેલા ચારેય જણમાં એઆઇ ઓરિજિન/ડિજિટલ ઓરિજિન કંપનીના અધ્યક્ષ અને કાર્યકારી સંચાલક શ્રીકૃષ્ણ પાંડુરંગ ચવાણ, કાર્યકારી સંચાલક અંકુશ શાંતારામ પાર્ટે, એજન્ટ સુદેશ મોહિતે અને સંચાલક સુભાષ પંદેરેનો સમાવેશ છે. પોલીસે ચારેયના નિવાસસ્થાનની તેમ જ કંપનીના વસઇ અને ગોરેગામના કાર્યાલય અને એજન્ટની મલાડમાં આવેલી ઓફિસમાં તપાસ કરી હતી. તેમના નિવાસસ્થાનેથી 12 લાખ રૂપિયા, નવ બૅંક ખાતાંની પાસબૂક, બીએમડબ્લ્યુ સહિત બે કાર, સાત લેપટોપ-ડેસ્કટોપ જપ્ત કરાયાં હતાં.
પૉન્ઝી-એમએલએમ સ્કીમ્સ દ્વારા છેતરપિંડી રોકવા માટે મુંબઈ પોલીસ દળમાં એપ્રિલ, 2025માં ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટની સ્થાપના કરવામાં આવી હતી. આ યુનિટને માહિતી મળી હતી કે એઆઇ ઓરિજિન/ડિજિટલ ઓરિજિનના સંચાલક વ્હૉટ્સઍપ ગ્રૂપ દ્વારા, મહારાષ્ટ્રના વિવિધ જિલ્લામાં સેમિનાર યોજીને લોકોને રોકાણ યોજનાઓ સંબંધી માહિતી આપે છે અને જાહેરાત દ્વારા યોજનામાં રોકાણ પર સારા વળતરની લાલચ આપી તેમની પાસેથી રૂપિયા સ્વીકારે છે. આ માહિતી મળ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે આરબીઆઇ તેમ જ સેબી પાસેથી જરૂરી લાઇસન્સ કે નોંધણી વિના કંપનીના સંચાલક, એજન્ટ તથા અન્યોએ રોકાણ યોજનાઓ મારફત મુંબઈ સહિત રાજ્યના વિવિધ જિલ્લાના લોકોને સારા વળતરની લાલચ આપીને તેમની પાસેથી 30 કરોડથી વધુ રૂપિયા સ્વીકાર્યા છે. ઉપરાંત થાણે, પાલઘર, પિંપરી-ચિંચવડ, સાંગલી, સાતારા, કોલ્હાપુર અને સોલાપુરમાં તેઓ કંપનીની બ્રાન્ચ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે, જ્યારે કર્ણાટક અને ગોવામાં એજન્ટો મારફત કામકાજ ચાલી રહ્યું છે.
દરમિયાન 12 ઑગસ્ટ, 2026ના રોજ કંપનીના પદાધિકારીઓ તથા અન્યો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુરુવારે શ્રીકૃષ્ણ ચવાણ, અંકુશ પાર્ટે અને સુદેશ મોહિતેની, જ્યારે શુક્રવારે સુભાષ પંદેરેની ધરપકડ કરવામાં આવી હતી.