(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે રાજકીય પક્ષોના નગરસેવકોએ મંગળવારે સ્થાયી સમિતિની બેઠકમાં નાળાની સફાઈના મુદ્દે પાલિકા પ્રશાસનની આકરી ટીકા કરી હતી. નાળાસફાઈના કામમાં અનિયમિતતા, સફાઈનો પ્રોગ્રેસ રિપોર્ટ, ગટરોની બાજુમાં અતિક્રમણ જેવા મુદ્દા પર પ્રશાસનની નબળી કામગીરીને લઈને પણ નગરસેવકોએ નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે મુંબઈ મહાનગર પાલિકાના દાવા મુજબ મુંબઈમાં અત્યાર સુધી ૬૨ ટકા નાળાસફાઈ થઈ છે.
મંગળવારે ભાજપના મુંબઈ પ્રમુખ સહિત પાલિકાના સભાગૃહ નેતાએ પૂર્વ ઉપનગરમાં મહત્ત્વના નાળાઓના ચાલી રહેલા સફાઈ કામનું ઈન્સ્પેકશન કર્યું હતું. આ દરમ્યાન ભાંડુપના ઉષા નાળાની મુલાકાત દરમ્યાન તેની આજુબાજુ રહેલા અતિક્રમણનો કાટમાળ, નાળામાં રહેલો પ્લાસ્ટિકનો કચરો સહિત ત્યાં ચાલી રહેલી અતિક્રમણની પ્રવૃત્તિ જણાઈ આવતા તેની માટે પાલિકાના અધિકારીઓ નિષ્ક્રિય હોવાનો તેઓએ આરોપ કર્યો હતો. બોરીવલીના દૌલત નગરમાં નાળાની બાજુમાં મોટા પ્રમાણમાં પડી રહેલા કાટમાળ, કચરાના ઢગલાઓની સાથે જ ગટરની બાજુમાં મોટા પ્રમાણમાં ઝૂંપડપટ્ટી ઊભી થઈ ગઈ છે ત્યારે નાળાની સફાઈ બાદ કાટમાળ સાફ કરવાની જવાબદારી કોની અને કાટમાળ આવ્યો કયાંથી એવો સવાલ પણ નગરસેવકોએ પ્રશાસનને કર્યો હતો.
સ્થાયી સમિતિમાં સભાગૃહ નેતાએ પ્રશાસન સમક્ષ માગણી કરી હતી કે પાલિકા પ્રશાસનને સેટેલાઈટ ઈમેજનો ઉપયોગ કરીને અતિક્રમણ ઓળખી કાઢવા તેમ જ જયારે ઝૂંપડપટ્ટી બની રહી હતી ત્યારે વહેલી કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગયેલા બિલ્િંડગ એન્ડ ફેકટરી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પર તેમની જવાબદારી નક્કી કરવી. આ દરમ્યાન તેમણે ઘાટકોપરમાં ખુલ્લા મેનહોલ પ્રત્યે ધ્યાન દોરતા કહ્યું હતું કે શહેરમાં ૨૦૧૭માં પૂર દરમ્યાન પ્રખ્યાત ગ્રેસ્ટોએન્ટેરોલોજિસ્ટ ડૉ. દીપક અમરાપુરકર ખુલ્લા મેનહોલમાં પડી જતા તેમનું મૃત્યુ થયું હતું તે પાલિકાએ ભૂલવું ના જોઈએ.
મનસેના નગરસેવક અને સ્થાયી સમિતિના સભ્યએ પણ બીકેસી કનેકટર અને માહિમ વચ્ચેના કામ માટે પાલિકાએ દર્શાવેલા પ્રોગ્રેસ રિપોર્ટમાં કામની ટકાવારી સામે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો અને પ્રશાસને તેમના વોર્ડમાં ૪૦ ટકા કામ થઈ ગયું હોવાના આપેલા આંકડા સામે ગ્રાઉન્ડ લેવલ પર ૧૦ ટકા કામ પણ થયું ન હોવાની ફરિયાદ કરી હતી. રાષ્ટ્રવાદી કૉંગ્રેસની નગરસેવિકાએ આરોપ લગાવ્યો હતો કે નાળામાંથી કાઢવામાં આવતા કાદવ-ગાળનું ટ્રાન્સપોર્ટેશન કરવા પહેલા તેમાં કાટમાળ ભેળવવામાં આવી રહ્યો છે. મીઠી નદીની નજીક કુર્લામાં ભાગ્યે જ સફાઈ થઈ છે. નદીના પટની અવગણના કરવામાં આવી છે. નાળાની સફાઈના નામે કરદાતાઓના પૈસા નાળામાં જઈ રહ્યા હોવાની નારાજગી પણ નગરસેવિકાએ વ્યક્ત કરી હતી.
કૉંગ્રેસના પાલિકાના ગ્રૂપ લીડર અને નગરસેવકે આરોપ કર્યો હતો કે કંપનીઓને ફકત કમિશનર મેળવવા માટે લાવવામાં આવી છે. નાળા સફાઈના કામમાં વિલંબ અને નબળા કામ માટે એજન્સીઓ પર લાદવામાં આવેલા દંડ સામે પણ તેમણે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો.આ દરમ્યાન સ્થાયી સમિતિના અધ્યક્ષે નાળાઓની બાજુમાં કલેકટરની જમીન પર ઘણી ઝૂંપડપટ્ટી બની ગઈ છે તે બાબતે તેઓ જિલ્લા કલેકટરને પત્ર લખીને કાર્યવાહી માગ કરશે એવું કહ્યું હતું. એ સાથે જ નાળાની સફાઈના કામના સીસીટીવી સર્વેલન્સ તપાસીને કામમાં સુધારો લાવવા પર ધ્યાન આપવા પર ભાર આપ્યો હતો.
મુંબઈમાં ૬૨ ટકા નાળાસફાઈ
શહેરમાં નાના મોટા નાળા અને મીઠી નદીમાંથી કાંપ કાઢવાનું કામ પાલિકા દ્વારા નીમવામાં આવેલા કૉન્ટ્રેક્ટર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. મોટા નાળા અને મીઠી નદીમાંથી કાંપ કાઢવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધી ૬૨ ટકા સફાઈ થઈ છે. ઝોન-બે (પરેલ,વરલી)માં ૭૦ ટકા, ઝોન-ત્રણ ( દાદર, માટુંગા, સાયન)માં ૬૭ ટકા, ઝોન-ચાર (બાન્દ્રા, ખાર, સાંતાક્રુઝ)માં ૭૦ ટકા, ઝોન-પાંચ (અંધેરી, જોગેશ્ર્વરી, ગોરેગામ)માં ૨૬ ટકા, ઝોન-છ (કુર્લા, ઘાટકોપર, વિક્રોલી)માં ૬૭ ટકા, ઝોન- સાત (કાંદિવલી, બોરીવલી, દહિસર) ૬૮ ટકા સફાઈ થઈ છે.