મુંબઈઃ મુંબઈ સહિત રાજ્યમાં બે થી ત્રણ દિવસના મોટા વિરામ બાદ ચોમાસાએ ફરી એકવાર જોરદાર એન્ટ્રી કરી છે. મુંબઈ અને તેના ઉપનગરો સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. રવિવાર રાતથી જ મુંબઈ શહેર અને આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સોમવારે સવારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે.
હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 24થા 48 કલાક મુંબઈ સહિત સમગ્ર રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મુંબઈ, પુણે, કોંકણ, મરાઠવાડા અને વિદર્ભના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મુંબઈ અને મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદના ઝાપટા ચાલુ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી કરા પડવાની પણ શક્યતા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે, જેથી લોકોને બફારા અને ગરમીથી મોટી રાહત મળશે.
રવિવાર રાતે 11.30 વાગ્યાથી લઈને સોમવાર વહેલી સવારે 4 વાગ્યાની વચ્ચે ઠાણેમાં મુસળધાર વરસાદ નોંધાયો હતો. માત્ર ચાર કલાકની અંદર જ અહીં આશરે 98mm જેટલો વરસાદ ખાબક્યો હતો. વિરોના કડકડાટ અને તોફાની પવન સાથે શરૂ થયેલા આ વરસાદે થાણે સહિત મુંબઈના ઉપનગરોને તરબતર કરી દીધું છે.
બીજી તરફ, પશ્ચિમ મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો સહિત પુણે જિલ્લાના આંબેગાંવ તાલુકાના પારગાંવ અને નિરગુડસર વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે.
કયા જિલ્લાઓમાં એલર્ટ અને પવનની ગતિ?
ભારતીય હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ ઠાણે, પુણે, સાતારા, રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે નાસિક, ધુળે, નંદુરબાર, નાંદેડ, હિંગોલી અને પરભણીમાં વીજળીના કડકડાટ સાથે હળવો વરસાદ પડી શકે છે. આ દરમિયાન કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. સોમવારથી આગામી ત્રણ દિવસ સુધી કોંકણ કિનારાના વિસ્તારો અને ઘાટ ક્ષેત્રમાં વરસાદનું જોર વધુ જોવા મળશે.
માછીમારો માટે કડક ચેતવણી: સમુદ્રમાં વાવાઝોડા જેવી સ્થિતિ
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પવનની દિશામાં થઈ રહેલા ફેરફારોને કારણે પહેલી અને બીજી જુલાઈ દરમિયાન કોંકણ, મરાઠ અને વિદર્ભમાં વરસાદનું જોર ખૂબ વધારે રહેશે. 29મી જૂનથી બીજી જુલાઈ દરમિયાન ઉત્તર કોંકણના દરિયાકાંઠાના ભાગોમાં વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક રહેશે, જે વધીને 60 કિમી સુધી પહોંચી શકે છે. આથી વહીવટીતંત્ર દ્વારા માછીમારોને આ દિવસોમાં દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.