(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદની અસર રેલવે પર પણ થઈ છે, જેને કારણે લાઈફલાઈન ઠપ થઈ નથી, પરંતુ મોડી દોડી રહી છે. રેલવે સિવાય મુંબઈના રોડ પરિવહન પર અસર થઈ હતી. નવી મુંબઈમાં સાયન-પનવેલ હાઈવે પર પણ ભયંકર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જોકે, આજે મધ્ય રેલવેમાં વરસાદને કારણે નહીં, પરંતુ પ્લાસ્ટિકને કારણે ટ્રેનસેવા પર અસર થઈ હતી, જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
મધ્ય રેલવેમાં કાંજુરમાર્ગ અને ભાંડુપ રેલવે સ્ટેશનની વચ્ચે સ્લો લાઈનમાં ઓવરહેડ વાયર ઈક્વિપમેન્ટને પ્લાસ્ટિક ચોટી ગયા પછી પાવર સપ્લાયમાં અવરોધ ઊભો થયો હતો. થોડા સમય પૂરતા ટ્રેનસેવાને રોકી દેવામાં આવી હતી. પાવર સપ્લાય બંધ કર્યા પછી પ્લાસ્ટિકને કાઢી નાખવામાં આવ્યું હતું, જે બપોરના 12.11 વાગ્યા પછી ટ્રેનસેવા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી હતી, પરંતુ ભારે વરસાદ અને પવનને કારણે રેલસેવા પર અસર થઈ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જોકે, સોશિયલ મીડિયા પર લોકોએ લખ્યું હતું કે એક પ્લાસ્ટિકના ટુકડાની હિંમતને બિરદાવી હતી. લોકોએ કટાક્ષ કર્યો હતો કે મુંબઈની લોકલ ટ્રેન કોના ભરોસે ચાલી રહી છે એ પણ ગંભીર બાબત છે.
જીટીબી સ્ટેશને ટ્રેક પર વૃક્ષ પડ્યું
જીટીબી નગર નજીક ટ્રેક પર વૃક્ષ ધરાશયી થવાથી હાર્બર લાઈનની લોકલ ટ્રેનસેવા પર અસર થઈ હતી. મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ગુરુ તેગ બહાદુર (જીટીબી) રેલવે સ્ટેશન નજીક એક વૃક્ષ ધરાશયી થવાને કારણે હાર્બર લાઈનની ટ્રેનસેવા પર અસર પડી હતી.
મુંબઈમાં કલાકના પચાસ કિલોમીટરની ઝડપથી ફૂંકાયેલા પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો તૂટી પડવાના બનાવ બન્યા હતા, જેમાં આજે જીટીબી નગર ખાતે બનાવ બન્યો હતો. જોકે, સદ્નસીબે રેલવેએ તાત્કાલિક સુરક્ષાના ભાગરુપે ડાળીઓને ટ્રેક પરથી હટાવી લીધી હતી.
બપોરના ત્રણ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો, પરંતુ એના પછી ટ્રેનસેવા રાબેતા મુજબ ચાલુ હતી. જોકે, દિવસભર પડી રહેલા ભારે વરસાદને કારણે હાર્બરલાઈનની લોકલ ટ્રેનો પણ પંદરથી 20 મિનિટ મોડી દોડતી હોવાનું રેલવેએ ટ્વિટ કર્યું હતું. અહીં એ જણાવવાનું કે ભૂસ્ખલનને કારણે મધ્ય રેલવેમાં સીએસએમટીથી પનવેલ અને સીએસએમટીથી કર્જત-ખપોલી વચ્ચેનો ટ્રેનવ્યવહાર ઠપ છે.
મધ્ય રેલવેમાં ચાર કોરિડોર છે, જેમાંથી મેઈન લાઈનમાં સીએસએમટી કલ્યાણ/કર્જત/ખપોલી અને કસારામાંથી સીએસએમટી-કર્જત/કસારા વચ્ચે ટ્રેન ચાલુ છે, પરંતુ કર્જતથી ખપોલી વચ્ચે ટ્રેન બંધ છે. ઉપરાંત, સીએસએમટીથી પનવેલ/ગોરેગાંવ, ટ્રાન્સહાર્બર લાઈનમાં થાણેથી વાશી/પનવેલ અને બેલાપુરમાં નેરુલ-ઉરણ વચ્ચે ટ્રેનસેવા ચાલુ હોવાનું જણાવ્યું હતું.