મિલન ત્રિવેદી
હમણાં મુંબઈ કાર્યક્રમ માટે આવેલો અને સામાન્ય રીતે હું ટેક્સી કરી અને કાર્યક્રમના સ્થળ પર જતો હોઉં છું. તે દિવસે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી. કુંભના મેળામાં જેટલી ભીડ ન હોય તેનાથી વધારે લોકલ ટ્રેનમાં ભીડ હોય છે.
ચારે'ક ટ્રેન પછી એક ટ્રેનમાં દરવાજે ઊભો રહ્યો અને આપોઆપ લોકોએ મને ઉપર ચડાવી દીધો. સામેવાળા મુસાફરના કાર્બન ડાયોક્સાઇડથી મારા ફેફસાં ભરાઈ ગયાં. મારું સ્ટેશન નીકળી ગયું ત્યારબાદના ત્રીજા સ્ટેશને હું દરવાજા સુધી પહોંચી શક્યો અને ધક્કો મારી આપોઆપ નીચે ઉતારી દીધો. નીચે ઊતરીને જોયું તો મારા ઝભ્ભાની એક બાંય જ ન હતી. બીજી લોકલ માં રહી ગઈ હતી. આ મુસાફરી દરમિયાન મને એમ થયું કે મુંબઈવાળા લોકોએ યોગ કરવા ના જોઈએ. લોકલ ટ્રેનની મુસાફરી એ એક યોગાથી કમ નથી.
રોજ મુસાફરી કરનાર સામાન્ય મુસાફર નથી. એ `યોગી' છે. અને એ પણ એવા યોગી કે જેમને મેટની જગ્યાએ અખબાર, પાણીની બોટલ અને બેગનો પટ્ટો પૂરતો છે. લોકલ ટ્રેનના વિવિધ પ્રકાર હોય છે, જેમકે...
`ધક્કાસન': લોકલનું રાજઆસન. ટ્રેન પ્લેટફોર્મ પર આવે એટલે ભીડનું એક સૂક્ષ્મ કંપન થાય. કોઈ વૈજ્ઞાનિક તેને `વાઇબ્રેશન' કહે, પણ મુંબઈકર જાણે છે કે આ છે ધક્કાસનની શરૂઆત. પાછળથી એક ભાઈ હળવે ધક્કો આપે, તમે આગળ વધો; તમે આગળના ભાઈને ધક્કો આપો. એવું સાંકળબદ્ધ યોગ. અહીં કોઈ ગુસ્સે થતું નથી. કારણ કે બધા જાણે છે. આ ધક્કો વ્યક્તિગત નથી, આ તો પરંપરા છે!
`બેગપ્રહાર પ્રાણાયામ': નવો મુસાફર હોય તો પીઠ પર બેગ હોય અને કુશળ યોદ્ધા મુસાફર હોય તો છાતીએ બેગ લગાડી હોય. અને આગળ ઊભેલા મુસાફર સાથે બેગનો સ્નેહસભર સંપર્ક થાય તે સમયે શ્વાસ રોકીને સ્મિત કરવું એ જ સાચું પ્રાણાયામ. એક ભાઈની બેગ તમારા પેટમાં, તમારી બેગ બીજા ભાઈના ખભા પર. આ છે `સામૂહિક કનેક્ટિવિટી'. આનાથી તો Wi-Fi પણ શરમાઈ જાય.
`મોબાઇલ ધ્યાનમુદ્રા': દરેક મુસાફરનો ચહેરો મોબાઇલમાં ગાઢ તલ્લીન. ભીડમાં ઊભા રહીને એક હાથમાં ફોન, બીજા હાથથી રોડ પકડીને રીલ જોવી આ બહુ ઊંચું ધ્યાન છે. આસપાસ કેટલો પણ હોબાળો હોય, નોટિફિકેશનનો અવાજ જ સાચો `ઓમકાર' છે. ક્યારેક નેટવર્ક ગાયબ થાય તો આંખો ખુલે. આને કહે અચાનક જ્ઞાનપ્રાપ્તિ.
`સીટસાધના': સીટ મળે તો મનમાં જે આનંદ થાય તે કોઈ યોગાશ્રમમાં નહીં મળે, પરંતુ આ આનંદ ક્ષણિક છે. આગળના સ્ટેશન પર કોઈ ભાઈ આંખોમાં આશા લઈને પૂછે: `ઉતરશો?'
જો તમે `હા' કહો તો તે તરત જ અર્ધબેસાસનમાં આવી જાય. એક ચોથાઈ સીટ પર પહેલેથી જ સ્થિર. અને જો તમે `ના' કહો તો તેની આંખોમાં જે નિરાશા દેખાય. તે જ જીવનનો સાચો વૈરાગ્ય પાઠ છે.
`લટકાસન' : એડવાન્સ લેવલ, દરવાજા પાસે ઊભા રહી બહાર લટકતા મુસાફરોને જોતા વિદેશી યોગ ગુરુઓને ચક્કર આવી જાય. પણ અહીંના યોગી માટે આ રોજનું આસન છે. એક હાથ રોડ પર, એક હાથ બેગ પર, પગ અંદર અને દિલ બહાર. આ સંતુલન માટે આત્મવિશ્વાસ જોઈએ.
કોઈ પૂછે: `ડર નથી લાગતો?'
મુંબઈકર હસીને કહે: `ડર માટે ટાઈમ ક્યાં છે?'
`વરસાદી યોગ': જ્યારે Mumbaiમાં વરસાદ પડે ત્યારે ટ્રેનમાં ખાસ સીઝનલ કોર્સ શરૂ થાય. ભીના કપડાં, છત્રીનો ટકરાવ અને ચપ્પલમાંથી નીકળતો સ્વર. આ બધું સાથે લઈને `ધૈર્ય આસન' કરવું પડે. પ્લેટફોર્મ પર પાણી ભરાય તો લોકો ધીમે ચાલે. આ છે સ્લો મોશન ધ્યાનવોક.
`ડબ્બાખોલ': ટિફિન ખૂલતાં જ આસપાસ સુગંધ ફેલાય. કોઈનું પરાઠું, કોઈનો ઉપમા, કોઈના ઢોકળા આ છે `લાળ ગ્રંથિ ઉત્તેજક યોગ' પછી શરૂ થાય ચર્ચા: શેરબજારથી લઈને સાસુ-વહુ સુધી. એક જ ડબ્બામાં અર્થશાસ્ત્રી, રાજકારણી અને ફિલ્મ સમીક્ષક. આ સમૂહ ચર્ચા દરમિયાન શરીર ભીડમાં ફસાયેલું હોય,પણ મન વિશ્વભરમાં ફરતું રહે આને જ તો મનમુક્ત આસન કહે.
`સમયતત્ત્વ યોગ': ટ્રેન બે મિનિટ લેટ થાય તો ઘડિયાળ તરફ જોવાની ક્રિયા. આ છે `અધૈર્ય આસન', પરંતુ 20 મિનિટ લેટ થાય તો બધાના ચહેરા પર શાંતિ. હવે તો કશું કરી શકાય નહીં. આ છે `સ્વીકારાસન'. જીવનમાં જે કાબૂમાં ન હોય તેને સ્વીકારી લેવું. લોકલ આપણને રોજ શીખવે છે.
`અંતિમ મુક્તિ અર્થાત્ ઉતરાસન': તમારું સ્ટેશન નજીક આવે એટલે અંદરથી ઊર્જાનો વિસ્ફોટ થાય. સાઈડ સાઈડ બોલતા બોલતા દરવાજા સુધી પહોંચવું. આ જ છે `મુક્તિનો માર્ગ'. બહાર પગ મૂકતાં જે હળવાશ અનુભવો. તે કોઈ હિમાલયમાં જઇને પણ નહીં મળે, કારણ કે અહીં તમે ભીડમાં રહીને સંતુલન શીખ્યા, ધક્કામાં રહીને ધૈર્ય શીખ્યું અને સીટ વગર રહીને સમતા શીખી.
જિમમાં ટ્રેનર પૈસા લઈને કહે: `ફિટ રહો.'
લોકલમાં જીવન મફતમાં કહે: `એડજસ્ટ કરો અને ફિટ રહો.'
વિચારવાયુ
યોગ મેટ છોડો, લોકલ પકડો!