Wed Jul 22 2026

Logo

બોગસ ડિગ્રી કેસમાં લૉ કૉલેજનાં ભૂતપૂર્વ વાઈસ પ્રિન્સિપાલ દોષમુક્ત

2026-02-15 19:09:00
Author: Yogesh C. Patel
Article Image

મુંબઈ: કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે બીએની બોગસ ડિગ્રીનો કથિત રીતે ઉપયોગ કરવાના 2007ના કેસમાં કોર્ટે મુંબઈની એક લૉ કૉલેજનાં ભૂતપૂર્વ મહિલા વાઈસ પ્રિન્સિપાલને દોષમુક્ત કર્યાં હતાં. દસ્તાવેજોમાં ચેડાંના કોઈ પુરાવા ન હોવાની નોંધ કોર્ટે કરી હતી.

આરોપી વકીલ વિરુદ્ધ ખોટા દસ્તાવેજો તૈયાર કર્યાનું ધારી કોર્ટમાં આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમની વિરુદ્ધ આરોપ ઘડવા માટે કોઈ મહત્ત્વપૂર્ણ પુરાવા નથી, એવી નોંધ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ (એસ્પ્લેનેડ કોર્ટ) વિનોદ રામરાવ પાટીલે ચુકાદામાં કરી હતી.
ફરિયાદ પક્ષે આરોપ કર્યો હતો કે ચિત્રા સાળુંખેએ સિદ્ધાર્થ લૉ કૉલેજમાં એલએલબી અને એલએલએમમાં એડ્મિશન લેતી વખતે બેચલર ઑફ આર્ટ્સ (બીએ)ની ડિગ્રીમાં ચેડાં કર્યાં હતાં.
સાળુંખેએ પ્રવેશ મેળવવા માટે ખોટું અને ચેડાં કરેલું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. તેમણે બીએની પરીક્ષા પાસ કરી નહોતી અને તેથી છેતરપિંડી અને ફોર્જરી કરી હતી, એવો આરોપ પોલીસે લગાવ્યો હતો.

આ કેસ પછી સાળુંખેને કૉલેજના વાઈસ પ્રિન્સિપાલ પદેથી દૂર કરાયાં હતાં.
સાળુંખેએ પોતાના વકીલ મારફત એવી દલીલ કરી હતી કે તેમની વિરુદ્ધના આરોપ પાયાવિહોણા છે. અમુક ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ ગુનામાં તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યાં છે.
કોર્ટે નોંધ કરી હતી કે તપાસ અધિકારી ચેડાં કરેલું ડિગ્રીનું સર્ટિફિકેટ જપ્ત કરવા અથવા રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે. તેથી આરોપીએ દસ્તાવેજોમાં ચેડાં કર્યાં હોવાનું સૂચવતા કોઈ પુરાવા નથી. આરોપીએ ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હોવાની પૂર્વધારણા રાખી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાનું અવલોકન પણ કોર્ટે કર્યું હતું. (પીટીઆઈ)