Thu Jul 23 2026

Logo

મુંબઈગરાનું પાણીનું ટેન્શન મટ્યું! જળાશયોનું સ્તર ૫૦ ટકા સુધી પહોંચ્યુ

2026-07-10 09:06:00
Author: Sapna Desai
Article Image


માત્ર ૪૮ કલાકમાં ૭૦ દિવસનું પાણી જમા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોના કેચમેન્ટ એરિયામાં  મુશળધાર વરસાદને કારણે મુંબઈની પાણીની ચિંતા ઝડપથી હળવી થઈ ગઈ છે.  આ ચોમાસામાં પહેલી વાર શહેરને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં પાણીનો સંગ્રહ તેમની કુલ ક્ષમતાના લગભગ ૫૦ ટકા સુધી પહોંચી ગયો છે. શહેરના સાત તળાવોમાં હવે મુંબઈને લગભગ ૧૭૧ દિવસ માટે પાણી પૂરું પાડવા માટે પૂરતો ૭.૦૩ લાખ મિલિયન લિટર (એમએલડી) જથ્થો જમા  થઈ ગયો છે. તળાવોમાં માત્ર ૪૮ કલાકમાં લગભગ ૭૦ દિવસનું પાણી વધ્યું છે, જે ૩૦ જૂનના રોજ ૯૭,૦૦૦ એમએલડી હતું.

મુંબઈમાં ૨૪ જૂને ચોમાસાનું આગમન થયું હોવા છતાં, પાંચ મહત્વપૂર્ણ તળાવો - મોડક સાગર, તાનસા, મિડલ વૈતરણા, અપર વૈતરણા અને ભાતસાના કેચમેન્ટ વિસ્તારોમાં નબળા વરસાદને કારણે અને જળાશયોના તળિયા દેખાવા માંડતા મુંબઈ મહાનગરપાલિકાને ૧૦ ટકા પાણી કાપ લાદવાની અને રિઝર્વ સ્ટોકમાંથી પાણી ખેંચવાની ફરજ પડી હતી.  ઘટતા જતા સ્ટોકને કારણે પાણીનું ગંભીર સંકટ ઊભું થયું હતું.  જોકે, છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદને કારણે જળાશયોના સ્ટોકમાં મોટો વધારો થયો છે અને તેને કારણે પાણીનું ટેન્શન થોડું ઓછું થયું છે. 

મુંબઈના જળાશયોમાં નાટ્યાત્મક રીતે વધારો થયો છે. સાત જુલાઈના  સાત તળાવોમાં ૧.૭૩ લાખ એમએલડી, આઠ ૮ જુલાઈના  ૧.૭૯ લાખ એમએલડી, અને ગુરુવાર સવાર સુધીમાં બીજા ૧.૦૪ લાખ એમએલડીનો  વધારો થયો હતો. જળાશય નેટવર્કમાં આ સુધારો દેખાઈ રહ્યો છે.  

શહેરના તુલસી અને વિહાર તળાવો છલકાઈ ગયા છે, જ્યારે મોડક સાગર અને તાનસા તેમની ક્ષમતાના અનુક્રમે ૮૩ ટકા અને ૭૭ ટકા સુધી પહોંચી ગયા છે. મુંબઈના પીવાના પાણીનો સૌથી મોટો સ્ત્રોત ભાતસા ૫૦ ટકા સંગ્રહ સ્તરને વટાવી ગયો છે, જ્યારે મિડલ વૈતરણા તેની ક્ષમતાના ૪૨ ટકા પર છે. પાલિકા તેના સાત તળાવોમાંથી દરરોજ ૪,૧૦૦ એમએલડી પાણી પૂરું પાડે છે. આગામી ચોમાસા સુધી  અવિરત પાણી પુરવઠો કરી શકાય તે  માટે પહેલી ઓક્ટોબર સુધીમાં સાતેય જળાશયોમાં કુલ ૧૪.૪૭ લાખ એમએલડી પાણી હોવું આવશ્યક છે. 

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ તળાવોના સ્તરમાં ઝડપી વધારાને કારણે ખૂબ જ રાહત મળી છે, પરંતુ  પાણી કાપને દૂર કરવાનો નિર્ણય લેવો હજુ વહેલો ગણાશે. ચોમાસાના અંતે તળાવના સ્તર પર અંતિમ નિર્ણય નિર્ભર રહેશે. આખા વર્ષ સુધી ચાલે તેટલા સંગ્રહની જરૂર છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા પાણીના સ્ટોકની સમીક્ષા કરવામાં આવશે.