Tue Jul 21 2026

Logo

મુંબઈનાં જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણી જમા:

2026-07-20 09:16:00
Author: Sapna Desai
Article Image

 

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:  મુંબઈ સહિત થાણે અને સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસ દરમ્યાન બ્રેક લઈને વરસાદ ફરી સક્રિય થયો છે. શહેરમાં હળવોથી મધ્યમ વરસાદ પડતાં શહેરનાં સાત જળાશયોમાં પાણીનો સ્તર ધીમે ધીમે સુધરી રહ્યો છે. પાણીપુરવઠો કરનારાં સાતેય જળાશયમાં  પાણીનો રવિવારે કુલ જથ્થો ૫૦ ટકાને વટાવી ગયો છે, જેમાં ૧૯ જુલાઈના રોજ સવારે છ વાગ્યા સુધીમાં જળાશયોમાં ૭,૫૮,૨૪૫ મિલ્યન લિટર (એમએલ) પાણીનો સંગ્રહ હતો.  આ કુલ ઉપયોગી સંગ્રહ ક્ષમતાના લગભગ ૫૨.૩૯ ટકા થઈ ગયો છે. આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેવાના સંજોગોમાં જળાશયોમાં પણ પાણીનો સ્તર હજી વધવાની શક્યતા છે.

મુંબઈમાં લગભગ અઠવાડિયા બાદ વરસાદ ફરી શરૂ થયો છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસુ ફરી સક્રિય થવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેથી પાલિકાના પાણીપુરવઠા વિભાગે પણ જળાશયના કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ પડીને જલદી તમામ જળાશયો છલકાઈ જશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે.  આ દરમ્યાન તળાવોના કેચમેન્ટ વિસ્તારોમાં થયેલા હળવા વરસાદને કારણે તળાવોની સપાટીમાં સતત સુધારો થયેલો જોવા મળ્યો છે. રવિવારે સવારના  જળાશયોમાં ૫૨.૩૯ પાણી હતું, જોકે તે ગયા વર્ષની સરખામણીમાં ઓછું છે.

ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં ૮૧.૮૬ ટકા પાણીનો સંગ્રહ હતો. તો ૨૦૨૪ની સાલમાં જળાશયોમાં  ૩૯.૨૩ ટકા જેટલું જ પાણી હતું. ૨૦૨૪ની સાલમાં જુલાઈના છેલ્લા અઠવાડિયામાં અને ઑગસ્ટમાં મુશળધાર વરસાદ પડતા જળાશયો છલકાયાં હતાં. તે મુજબ જ પાણીપુરવઠા વિભાગે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી દિવસોમાં કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ પડવાની શકયતાથી બહુ જલદી તમામ જળાશયો તેની પૂર્ણ ક્ષમતાએ ભરાઈ જશે.

હાલ મુખ્ય તળાવોમાં તાનસામાં ૮૪.૩૭ ટકા લાઈવ સ્ટોક છે, ત્યારબાદ મોડક સાગર ૭૯.૧૨ ટકા છે. દરમ્યાન મિડલ વૈતરણા અને અપર વૈતરણા અનુક્રમે ૪૬.૭૮ ટકા અને ૩૧.૮૦ ટકા છે. મુંબઈને પાણી પૂરું પાડતું સૌથી મોટું તળાવ ભાતસા તેની ઉપયોગી સંગ્રહ ક્ષમતાના ૪૬.૭૯ ટકા છે. વિહાર તળાવ ૧૦૦ ટકા ક્ષમતા સાથે ભરાયેલું છે. જ્યારે તુલસી તળાવ લગભગ ૯૮.૩૩ ટકા લાઈવ સ્ટોક સાથે ભરાઈ ગયું છે. 

તાજેતરના અહેવાલ મુજબ ભાતસામાં સૌથી વધુ ૧૧૨ મિ.મી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ તાનસામાં ૭૫ મિ.મી વરસાદ નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં અપર વૈતરણા અને મિડલ વૈતરણામાં અનુક્રમે ૫૫ મિ.મી. અને ૫૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો. મોડક સાગરમાં ૪૪ મિ.મી., જ્યારે તુલસીમાં ૪૨ મિ.મી. અને વિહારમાં ૩૧ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

જુલાઈના પહેલા અઠવાડિયામાં મુંબઈમાં મુશળધાર વરસાદ રહ્યો હતો. એ દરમ્યાન વિહાર તળાવ સાત જુલાઈ, ૨૦૨૬ ના રાતના નવ વાગ્યે છલકાઈ ગયું હતું, ત્યારબાદ તુલસી તળાવ સાત જુલાઈના રોજ રાતના ૧૧.૪૩ વાગ્યે છલકાયું  હતું. 

આ વર્ષે ચોમાસાનું આગમન મોડું થતા અને જળાશયોની સપાટી તળિયે પહોંચી જતા મુંબઈ મહાનગરપાલિકાએ તકેદારીના પગલારૂપે મુંબઈમાં નાગરિકો પર ૧૦ ટકા અને કમર્શિયલ ઉપયોગકર્તા પર ૧૫ ટકા પાણીકાપ લાદેલો છે. આગામી દિવસોમાં કેવો વરસાદ પડે છે, તેના આધારે પાણીકાપ પાછો ખેંચવા બાબતે વિચાર કરવામાં આવશે એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.