(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની વાનખેડેમાં કરો અથવા મરો મેચમાં એલએસજીએ મુંબઈને વિજય માટે 229 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જોકે, એક સમયે આ સ્કોર 250ને આંબી જશે એવી આશા રાખવામાં આવતી હતી, પરંતુ છેલ્લી ઓવરોમાં મુંબઈના બોલરોએ સારું નિયંત્રણ રાખતાં સ્કોર 228 સુધી સિમિત રાખવામાં તેમને મદદ મળી હતી. આજે પહેલા બેટિંગ કરવા ઉતરેલી એલએસજીના માર્શની સાથે જોશ ઇંગ્લિસના રૂપમાં એક નવો ઓપનિંગ પાર્ટનર હતો. તેઓએ સકારાત્મક શરૂઆત કરી હતી પરંતુ ગઝનફરે ઇંગ્લિસની ઇનિંગ્સને ટૂંકી કરી દીધી. ગઝનફરે આ વિકેટની સાથે હરભજનસિંહને વિક્રમ પોતાને નામે કર્યો હતો. ગઝનફરની મુંબઈ માટે પાવરપ્લેમાં આ છઠી વિકેટ હતી. આ પહેલાં હરભજન સિંહની પાવર પ્લેમાં પાંચ વિકેટો હતી.
આ સિઝનમાં પહેલી વાર પૂરનને ત્રણ નંબર પર મોકલવામાં આવ્યો હતો અને તેણે 16 બોલમાં ફિફ્ટી ફટકારીને જોરદાર પ્રદર્શન કર્યું. એલએસજીએ 8મી ઓવરમાં 123/1 સુધી દોડ લગાવી હતી, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સના કોર્બિન બોશે બંને સેટ બેટ્સમેન - પૂરન અને માર્શ - ને એક જ ઓવરમાં આઉટ કર્યા અને એમઆઈ બ્રેક લગાવવામાં સફળ રહી હતી. 123/1 થી, એલએસજી 13મી ઓવરમાં 160/5 પર પહોંચી ગઈ હતી. જોકે, ત્યારબાદ મેદાનમાં આવેલા હિંમત સિંહ અને એડન માર્કરામે હાથ મિલાવ્યા. તેઓ બ્લોકમાંથી બહાર નીકળવામાં ઝડપી નહોતા પરંતુ તેઓ સ્પિનરો સામે બે ઓવરમાં મોટો સ્કોર કરવામાં સફળ રહ્યા, પરંતુ એમઆઈ છેલ્લી ત્રણ ઓવરમાં તેમને બાંધી રાખવામાં સફળ રહ્યું. ચહરે યોર્કર્સનો મારો ચલાવ્યો હતો અને બુમરાહે પોતાની વિવિધતાઓનો ઉપયોગ કર્યો કારણ કે બંનેએ છેલ્લી ત્રણ ઓવરમાં ફક્ત 22 રન આપ્યા હતા.