Sat Jun 06 2026

Logo

દિલ્હીમાં અગ્નિતાંડવ પરથી શીખ મુંબઈની હોટલોમાં ફાયર સેફટી સિસ્ટમ તપાસવામાં આવશે

2026-06-06 08:39:00
Author: Sapna Desai
Article Image

અંધેરીની ચાર હોટલ અને બાર પર પાલિકાની જપ્તીની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દિલ્હીમાં તાજેતરમાં લાગેલી આગની દુર્ઘટના બાદ મુંબઈની હૉટલો અને એસ્ટાબ્લિશમેન્ટમાં ફરી એક વખત અગ્નિસુરક્ષાને લઈને સવાલો થઈ રહ્યા છે ત્યારે પાલિકાએ આ પાર્શ્ર્વભૂમિ પર નાગરિક, પર્યટકો તથા કર્મચારીઓની સુરક્ષાને ધ્યાન રાખીને મુંબઈની તમામ હોટલો અને તેના પરિસરમાં ફાયર સેફટી સિસ્ટમ બરોબર કામ કરતી રાખવાનો નિર્દેશ પાલિકા પ્રશાસને આપ્યો છે. એ સાથે જ છ થી ૨૦ જૂન, ૨૦૨૬ના સમયગાળા દરમ્યાન મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા જુદા જુદા ડિપાર્ટમેન્ટની સાથે વિશેષ સંયુક્ત તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવવાની છે. આ દરમ્યાન મુંબઈ મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા અંધેરી પશ્ર્ચિમમાં ચાર હોટલ અને બારને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

દિલ્હીની હોટલમાં લાગેલી આગની દુર્ઘટના બાદ પાલિકા પ્રશાસન ફરી જાગી છે અને ફાયરબ્રિગેડ સાથે સંયુક્ત રીતે મુંબઈની હોટલો માટે ફરી નિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે, તેમ જ સ્પેશિયલ ઝુંબેશ હેઠળ હોટલો અને  એસ્ટાબ્લિશમેન્ટમાં તપાસ પણ કરવામાં આવવાની છે.

પાલિકાના એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અગ્નિપ્રતિબંધક અને જીવ સંરક્ષણ ઉપાયયોજના અધિનિયમ-૨૦૦૬ અનુસાર તમામ અગ્નિપ્રતિબંધક અને જીવસંરક્ષણ યંત્રણા કાયમસ્વરૂપે વ્યવસ્થિત ચાલુ સ્થિતિમાં રાખવી ફરજિયાત છે. આ પાર્શ્ર્વભૂમિ પર મુંબઈ શહેર અને ઉપનગરની તમામ હોટલ પરિસરમાં બેસાડવામાં આવેલા ફાયર સેફટીના સાધનો, સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર એલાર્મ એન્ડ ડીટેક્શન સિસ્ટમ, કિચન ડક્ટિંગ વ્યવસ્થા, હાઈડ્રન્ટ સિસ્ટમ તેમ જ ઈમરજન્સી એક્ઝિટ રૂટ જેવા તમામ ફાયર સેફટી સિસ્ટમ ૨૪ કલાક ઉપલબ્ધ હોવી જોઈએ. તેમ જ વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં સરકારી લાઈન્સધારક સંસ્થા મારફત તેની તપાસ કરાવવી પણ આવશ્યક રહેશે. આ તપાસ બાદ મળનારું ‘ફોર્મ-બી’ તાત્કાલિક નિયમિત રીતે મુંબઈ ફાયરબ્રિગેડને સબમીટ કરવાનું હોય છે.

૧૫ દિવસ વિશેષ ઝુંબેશ
મુંબઈ ફાયર વિભાગ દ્વારા છ થી ૨૦ જૂન, ૨૦૨૬ દરમ્યાન પાલિકાના વિવિધ વિભાગોના સહયોગથી એક ખાસ સંયુક્ત ઈન્સ્પેકશન કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશમાં  મોલ,  ફાઈવસ્ટાર રેસિડેન્શિયલ  હોટલ, લોજિંગ-બોર્ડિંગ, પાર્ટી હોલ, બેન્ક્વેટ હોલ, રુફ ટૉપ, પબ, નાઈટ ક્લબ, રેસ્ટોરાં અને બાર, ઓર્કેસ્ટ્રા બાર, જીમખાના અને અન્ય સ્થળોએ ફાયર સેફટી માટે ઈન્સ્પેકશન કરવામાં આવશે.