Tue Aug 25 2026

Logo

સરકારી સ્કીમમાં નાણાં ડબલ: 1.46 કરોડની છેતરપિંડી કરવા બદલ માતા-પુત્ર વિરુદ્ધ ગુનો

2026-03-25 20:09:00
Author: Yogesh C. Patel
સરકારી સ્કીમમાં નાણાં ડબલ: 1.46 કરોડની છેતરપિંડી કરવા બદલ માતા-પુત્ર વિરુદ્ધ ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સરકારની વિવિધ સ્કીમમાં રોકાણ કરેલી રકમ પર ઊંચું વળતર અને ટૂંકા ગાળામાં નાણાં ડબલ થવાની લાલચ બતાવી 1.46 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે પોલીસે માતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર આરોપીઓની ઓળખ ત્રિશલ કાલા અને પ્રતીક કાલા તરીકે થઈ હતી. પ્રતીક પોતાની ઓળખ ભારત સરકારના ફોરેન ઍન્ડ ટ્રેડ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારી તરીકે આપતો હતો. આવી ખોટી ઓળખ બતાવી તેણે ફરિયાદી અને અન્યોનો વિશ્ર્વાસ પ્રાપ્ત કર્યો હતો.

અંધેરીના લોખંડવાલા કોમ્પ્લેક્સ ખાતે પરિવાર સાથે રહેતી 47 વર્ષની મહિલા લેડીઝ ગાર્મેન્ટની દુકાન ચલાવે છે. ગયા વર્ષના ઑક્ટોબરમાં તે પ્રતીક કાલાના સંપર્કમાં આવી હતી. તે સમયે પ્રતીકે પોતાની ઓળખ સરકારી અધિકારી તરીકે બતાવી પોતાની વિશ્ર્વસનીયતા દાખવવા અશોક સ્તંભની છાપવાળું વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું હતું. ભારત સરકારે તેના ફોરેન ઍન્ડ ટ્રેડ ડિપાર્ટમેન્ટ હેઠળ વિવિધ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ રજૂ કરી હોવાથી તેમાં રોકાણ કરવા પર ઊંચું વળતર મળશે, એવી ખાતરી પ્રતીકે આપી હતી. એ સિવાય તેણે બોનાન્ઝા સ્કીમ વિશે પણ માહિતી આપી હતી, જેમાં રોકાણ કરેલી રકમ ટૂંક સમયમાં જ બમણી થવાની લાલચ આપી હતી. આરોપીના દાવાને ખરા મારી ફરિયાદીએ તેની સાથે પરિવારના સભ્યો, સગાં અને મિત્રોના 1.46 કરોડ રૂપિયા વિવિધ સ્કીમમાં રોક્યા હતા, એવું ફરિયાદમાં જણાવાયું હતું.

જોકે કોઈ પણ રોકાણકારને તેમની નાણાં ડબલ કરીને મળ્યાં નહોતાં. આ અંગે પૂછપરછ કરતાં આરોપી ઉડાઉ જવાબ આપતા હતા. શંકાને આધારે ફરિયાદીએ તપાસ કરતાં પ્રતીક કાલા કોઈ પણ સરકારી વિભાગ સાથે સંકળાયેલો ન હોવાનું જાણવા મળ્યું હતું. પોતે છેતરાઈ હોવાનું જણાતાં ફરિયાદીએ ઓશિવરા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે પોલીસે પ્રતીક અને તેની માતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.