Mon Jun 08 2026

Logo

ડૂબતાને 'તરણું' મળશેઃ મુંબઈના 44 સ્ટેશન પર બનાવાશે ઈમરજન્સી મેડિકલ રુમ્સ...

2026-02-23 18:07:02
Author: Kshitij Nayak
Article Image

AI Generated Images


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સબર્બન મુંબઈ રેલવેમાં વધતા અકસ્માતથી રેલવે પ્રશાસન ચિંતિત છે, ત્યારે અકસ્માત પછીની મહત્વની પળોમાં પીડિતને હોસ્પિટલ પહોંચાડવા માટે રેલવે પ્રશાસન પ્રયાસ કરે છે, પરંતુ ક્યારેક મોડું થઈ જતું હોય છે. આ બાબતમાં રેલવેએ મેડિકલ ઈમર્જન્સી સેન્ટર બનાવ્યા હતા, પરંતુ એને બંધ કરવાની નોબત આવી હતી, પરંતુ હવે મેડિકલ રુમ બનાવવાની ફરી જાહેરાત કરી છે. સામાન્ય યા ગંભીર અકસ્માતમાં પણ જો પીડિતને તાત્કાલિક મેડિકલ સુવિધા મળ્યા પછી મોટી રાહત થઈ શકે છે, એમ અધિકારીે જણાવ્યું હતું.

મધ્ય રેલવેએ કહ્યું 44 સ્ટેશન પર તૈયાર કરાશે
મુંબઈ રેલવેમાં વિવિધ પ્રકારના અકસ્માતમાં પ્રવાસીઓને ગંભીર ઈજા પહોંચતી હોય છે અથવા અકસ્માત પછી તુરંત મોતને ભેટતા હોય છે, ત્યારે પ્રવાસીઓને ગોલ્ડન અવરમાં મેડિકલ સુવિધા પૂરી પાડવા માટે મુંબઈ ડિવિઝનના 44 સ્ટેશન પર ઈમરજન્સી મેડિકલ રુમ (ઈએમઆર)નું નિર્માણ કરવામાં આવશે. 

મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે રેલવે સ્ટેશનના પરિસરમાં પ્રવાસીઓની સુવિધા માટે પ્રશાસન એક કરતા અનેક સુવિધા પૂરી પાડે છે તેમ જ સુલભ અને સુરક્ષિત સેવા પૂરી પાડવા માટે પણ પ્રતિબદ્ધ છે, પરંતુ અકસ્માત પછી પ્રવાસીને તાત્કાલિક મેડિકલ સુવિધા પૂરી પાડવાના હેતુથી ઈએમઆર નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે. ઈએમઆર નિર્માણ કરવાનો મુખ્ય ઉદ્દેશ તો સૌથી પહેલા ત્યાં પ્રાથમિક અને ઈમરજન્સીમાં જરુરી સારવાર પૂરી પાડવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

હાઈ કોર્ટની ઝાટકણી પછી ચાર સ્ટેશન પર રુમ બનાવ્યા હતા
મુંબઈ ડિવિઝનના 44 સ્ટેશન પર આ મેડિકલ રુમ્સ તૈયાર કરવામાં આવશે, ત્યાર પછી તબક્કાવાર વિવિધ સ્ટેશને વિકસાવામાં આવશે. મેડિકલ રુમ તૈયાર કરવાનો ઉદ્દેશ તો ઈમરજન્સીમાં મેડિકલ સહાય પૂરી પાડવાનો છે. રેલવે પ્રવાસીઓની સુરક્ષા પૂરી પાડવા માટે હંમેશાં મક્કમપણે પ્રતિબદ્ધ રહેશે એટલું નિશ્ચિત છે. અહીં એ જણાવવનું કે આ અગાઉ મુંબઈ હાઈ કોર્ટે પણ આ મુદ્દે ટકોર કરી હતી, પરંતુ રેલવેએ માંડ ચાર સ્ટેશન પર જ મેડિકલ રુમ બનાવ્યા હતા, એમ રેલવે એક્ટિવિસ્ટે જણાવ્યું હતું.

અહીં એ જણાવવાનું કે મધ્ય રેલવેમાં ભાયખલા, કલ્યાણ અને વાશી સ્ટેશને ઈએમઆર કાર્યરત છે, જ્યારે 10 વધુ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જેમાં કલવા, ટિટવાલા, કર્જત સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કુર્લા, એલટીટી, ઘાટકોપર, થાણે, મુમ્બ્રા, માનખુર્દ અને ચેમ્બુર વગેરે સાત સ્ટેશનનું કામકાજ ચાલુ છે.