Sun Aug 23 2026

Logo

મુંબઈમાં કચરાના સંવેદનશીલ ઠેકાણે સીસીટીવીથી નજર

2026-08-02 09:41:06
Author: Sapna Desai
Article Image

કચરો ફેંકનારા સામે દંડાત્મક કાર્યવાહી થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈ હાઈ કોર્ટે તાજેતરમાં આપેલા નિર્દેશની પાર્શ્ર્વભૂમિમાં મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈને સ્વચ્છ રાખવા અને સાર્વજનિક જગ્યા પર ખુલ્લામાં કચરો ફેંકવા પર પ્રતિબંધ મૂકવાની સાથે જ કચરાના સંવેદનશીલ સ્થળોનું કાયમસ્વરૂપી નિર્મૂલન કરવા માટે અનેક ઉપાયયોજના હાથ ધરી છે, જે અંતગર્ત બજાર, મહત્ત્વના રસ્તા, ફૂટપાથ, સાર્વજનિક સ્થળો, પ્લોટ, દરિયા કિનારા, નાળા અને અન્ય જળસ્રોત પરિસરમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવવાનું છે. આ તમામ કચરાના સંવેદનશીલ સ્થળે સીસીટીવી કેમેરાથી નજર રાખીને કચરો ફેંકનારા પર દંડાત્મક કાર્યવાહી કરવાનો નિર્દેશ પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ આપ્યો છે.

હાઈ કોર્ટે શુક્રવારે ઘનકચરા વ્યવસ્થાપન વિષયમાં આપેલા નિર્દેશ મુજબ શનિવારે પાલિકા કમિશનરે પાલિકા મુખ્યાલયમાં બેઠક યોજી હતી, જેમાં તમામ ઝોનના ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર સહિત સંબંધિત અધિકારીઓ હાજર હતા. તેમને મુંબઈની વિઝિબિલિટી વધારવાની સાથે જ કચરાના સંવેદનશીલ સ્થળોને કાયમીસ્વરૂપે દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપવામાં આવી હતી.

મુંબઈમાં વિઝિબિલિટી સુનિશ્ર્ચિત કરવા માટે પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે વારંવાર કચરો ફેંકવાની જગ્યાઓ (હોટસ્પોટ) ઓળખી કાઢી છે. ગૂગલ મેપ પર માર્ક કરીને તેમના વિભાગ અને વર્તુળ મુજબની યાદી તૈયાર કરવામાં આવી છે. આ અંતર્ગત હવે દરેક લોકેશનને સ્ટ્રક્ચર્ડ પ્રોસેસ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવશે. આમાં કચરાના સ્ત્રોત અને પ્રકારને ઓળખવાનો સમાવેશ થાય છે, કચરાનો સંગ્રહ, પરિવહન, માનવશક્તિ અને મશીનરીમાં રહેલી ત્રુટિનું  મૂલ્યાંકન કરવું, રહેવાસીઓ, બજારો અને વ્યાપારી સંસ્થાઓ સાથે વાતચીત, જનજાગૃતિ અને લોકોની આદત બદલવા માટે પ્રવૃત્તિઓનું સંચાલન કરવા જેવા ઉપક્રમ હાથમાં લેવાની સાથે જ મુખ્યત્વે સીસીટીવી આધારિત સર્વેલન્સ અને અમલીકરણ તેમજ વારંવાર નિયમનો ભંગ કરનારા સામે દંડનીય કાર્યવાહીનો સમાવેશ થાય છે. વોર્ડ મુજબના રેકોર્ડ, ફોટોગ્રાફિક પુરાવા, ડિજિટલ મેપિંગ અને નિયમિત સમીક્ષા દ્વારા અભિયાનનું મોનિટરિંગ કરવામાં આવશે. બજારો, મુખ્ય રસ્તાઓ, ફૂટપાથ, જાહેર સ્થળો અને પ્લોટ, દરિયાકિનારા, નાળાઓ અને અન્ય જળાશયોની આસપાસના વિસ્તારોમાં ખાસ સફાઈ અને અમલીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે.

કમિશનરે જણાવ્યું હતું કે પ્લાસ્ટિક અને ઘનકચરાને ગટર, ખાડીઓ અને દરિયામાં જતો અટકાવવા માટે જરૂરી સ્થળોએ કંટ્રોલ અને ઈન્ટરસેપ્શન સિસ્ટમ મજબૂત કરવામાં આવશે. આ દરમ્યાન આસિસ્ટન્ટ કમિશનરે સંબંધિત વિસ્તારની નિયમિત મુલાકાત લઈને ત્યાં સ્વચ્છતાની ખાતરી કરવાની રહેશે. સ્થાનિક પ્રતિનિધિઓને વિશ્ર્વાસમાં લઈ સ્વચ્છતા માટે અસરકારક કામગીરી કરવાની રહેશે. ઝોનના ડેપ્યુટી કમિશનરે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યની સમીક્ષા કરવાની રહેશે અને સ્વચ્છતામાં હકારાત્મક સુધારણા માટે પગલાં લેવાના રહેશે. આવા સ્થળોની નિયમિત સફાઈ કરવાની રહેશે કારણ કે ચોમાસા દરમ્યાન રસ્તાઓ પર કચરાના ઢગલા થવાથી જાહેર આરોગ્ય અને સલામતી માટે ગંભીર ખતરો નિર્માણ થાય છે. 

 હેરિટેજ સાઇટ, પર્યટન સ્થળો, મુખ્ય જાહેર વિસ્તારો અને ભારે ટ્રાફિકવાળા વિસ્તારોમાં ખાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરીને આ સાઇટ પરથી કચરાનો તાત્કાલિક નિકાલ કરવાની અને સતત દેખરેખ પર વિશેષ ભાર મૂકવાનો નિર્દેશ પણ કમિશનરે આપ્યો હતો. તેમ જ  સંવેદનશીલ સ્થળો જ્યાં વારંવાર કચરો ફેંકવામાં આવે છે તેના મૂળ કારણોનો અભ્યાસ કરીને, સેવા સુધારણા, એન્જિનિયરિંગ પગલાં, જનજાગૃતિ અને સતત દેખરેખ દ્વારા આવા સ્થળોને કાયમી નાબૂદ કરવા માટે એક વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવવાનો છે.