Tue Aug 25 2026

Logo

મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગાંજાની તસ્કરી માથાનો દુખાવો: કસ્ટમ્સ...

2026-02-18 19:18:00
Author: Yogesh C. Patel
મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગાંજાની તસ્કરી માથાનો દુખાવો: કસ્ટમ્સ...

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર 2025-26માં હાઈડ્રોપોનિક વીડ અથવા મારિજુઆના તરીકે ઓળખાતા ગાંજાની તસ્કરી સૌથી મોટો માથાનો દુખાવો બની ગયો છે, જેનો મુખ્ય સ્રોત થાઈલૅન્ડ હોવાનું કસ્ટમ્સના એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ ઍર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ) દ્વારા એપ્રિલ, 2025થી જાન્યુઆરી, 2026 દરમિયાન ગાંજાની તસ્કરી સંબંધી 200 જેટલા કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં 1,101 કિલો ગાંજો જપ્ત કરાયો હતો. ગાંજાના હાઈડ્રોપોનિક વીડ અથવા કેનાબિસ પ્રકાર માટીરહિત પદ્ધતિથી ઉગાડવામાં આવે છે.

કસ્ટમ્સ દ્વારા ગયા વર્ષે એનડીપીએસ ઍક્ટ હેઠળ 57 કેસ નોંધવામાં આવ્યા હતા, જેની સામે આ વર્ષે જાન્યુઆરી સુધીમાં 207 કેસ દાખલ થયા છે.કસ્ટમ્સના અધિકારીએ જણાવ્યું હતું કે 2024-25માં અંદાજે 50.9 કરોડ રૂપિયાનું 5.09 કિલો કોકેઈન જપ્ત કરીને પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે 2025-26માં તેના આગલા વર્ષ કરતાં બે ગણું એટલે કે 116.26 કરોડ રૂપિયાનું 11.6 કિલો કોકેઈન જપ્ત કરાયું હતું.

ભારતમાં ડ્રગ સિન્ડિકેટ સાથે સંકળાયેલા લોકો બૅન્ગકોકના એજન્ટોની સાઠગાંઠ સાથે ભારતમાં ડ્રગ્સ લાવવા માટે ‘કેરિયર’ તરીકે જે વ્યક્તિનો ઉપયોગ કરે છે તેને ફ્લાઈટની ટિકિટ આપવામાં આવે છે. એ સિવાય બૅન્ગકોકમાં હોટેલમાં મુકામ, કમિશન અને વળતી ફ્લાઈટની ટિકિટ આપવામાં આવે છે.

આ સિન્ડિકેટ દ્વારા હવે બાળકો સાથેના પરિવાર અને 61 વર્ષથી વધુની આયુના સિનિયર સિટીઝન્સનો કેરિયર તરીકે ઉપયોગ કરાય છે, કારણ કે આવા લોકોને શંકાને આધારે રોકવામાં આવતા નથી એટલે પકડાઈ જવાનું જોખમ ઓછું હોય. (એજન્સી)