Fri Jul 03 2026

Logo

મુંબઈ-અમદાવાદ હાઈવે પર જીવલેણ ખાડા: 15થી વધુ વાહનના ટાયર ફાટ્યા, અકસ્માતોની વણઝાર

2026-07-03 15:58:07
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર આજે વહેલી સવારના ફ્લાયઓવર પરના મોટા ખાડાને કારણે થોડી જ વારમાં અનેક વાહનોના ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા, જેમાં પંદરથી વધુ વાહન ધડાકાભેર ટકરાતા આ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે સ્થાનિકો પણ પરેશાન થયા હતા.

ઘટનાસ્થળ પરથી મળતી વિગતો મુજબ ફ્લાયઓવર પર અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લીધે થોડા સમય સુધી હાઇવે પર વાહનોની અવરજવર પર ભારે અસર જોવા મળી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, છતાં અનેક વાહનો એકબીજા સાથે ટકરાવના કારણે ભારે નુકસાન થયું હતું. 

આ દુર્ઘટના ગુજરાત-મુંબઈ હાઇવે પર દહાણુ તાલુકામાં આવેલા મહાલક્ષ્મી મંદિર પાસે બની હતી. રિપોર્ટ અનુસાર આ હાઇવે પર પુરપાટ ઝડપે આવી રહેલા વાહનો ફ્લાયઓવર પરના ઊંડા ખાડામાં ખાબકતા વાહનોના ટાયર ફાટી ગયા હતા ત્યાર બાદ 10-12 મિનિટના અંતરે ખાડાના લીધે વાહનો એકબીજા સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. 

વાહનચાલકોના જણાવ્યા મુજબ રસ્તાના ભારે નુકશાનને કારણે આ રસ્તો અત્યંત જોખમી બની ગયો છે. આ સાથે જ ડામરના રોડ એટલી હદે નુકસાન પામ્યા છે કે તેમાંથી લોખંડના સળિયા પણ બહાર નીકળી ગયા છે. વાહનચાલકોએ એવો દાવો કર્યો હતો કે વાહનચાલકો ખાડા સાથે અથડાતા અનેક વાહનોના ટાયરો ફાટતા કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે રાત્રિના સમયે હાઇવે પર પ્રવાસ કરતા મુસાફરોની ચિંતામાં વધારો થયો હતો. આ ઘટનાએ ફરી એકવાર મુંબઈ-અમદાવાદ હાઇવે પર માર્ગ વિકાસ પ્રોજેક્ટ્સ પર મોટાપાયે ખર્ચ કરવા છતાં માળખાગત સુવિધાઓની અછત અને રોડની ગુણવત્તા અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. 

હાઈવેના સમારકામ પર 620 કરોડ રૂપિયા ખર્ચાયા 
એક રિપોર્ટ અનુસાર ગયા વર્ષે હાઈવેના 'વાઈટ ટોપિંગ' પ્રોજેક્ટ અંતર્ગત 620 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેમાં આ રૂટ પર બ્રિજ અને ફ્લાયઓવરની જાળવણી અને બાંધકામ માટે અલગ અલગ કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું. 

વાઈટ ટોપિંગએ રોડ રિહેબિલિટેશનની એક એવી પદ્ધતિ છે, જેમાં રોડની ગુણવત્તા સુધારવા અને રોડનું આયુષ્ય વધારવા ડામરના રોડ પર કોન્ક્રીટનું લેયર નાખવામાં આવે છે. જો કે ચોમાસાની શરૂઆતમાં જ ખામી જોવા મળતા વાસ્તવિકતા છતી થઈ હતી. જેમાં બાંધકામની ગુણવત્તા અને જાળવણીમાં કંઈ જોવા મળી હતી. 

આ ઘટનાને પગલે મુસાફરો અને સ્થાનિકોએ કોન્ટ્રાકટરો અને જવાબદાર વહીવટીકર્તાઓ પાસે હાઈવેની જાળવણી અંગે ઊંડી તપાસ અને ઘટનાની જવાબદારી લેવા માટે માંગ કરી હતી. અધિકારીઓ દ્વારા અકસ્માત અને રસ્તાની સ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી.