Fri Jul 03 2026

Logo

મુસાફરો માટે સારા સમાચાર! મુંબઈ-બેંગ્લુરુ વંદે ભારત સ્લીપર ટ્રેનનું અંતિમ ટેસ્ટિંગ શરૂ

2026-07-03 16:44:19
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈથી બેંગ્લુરુ વચ્ચે મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે આનંદના સમાચાર મળ્યા છે. મુંબઈથી બેંગ્લુરુ વચ્ચે ફાઈનલ ટેસ્ટિંગ કર્યા પછી ટૂંક સમયમાં વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવામાં આવશે, જે દેશની બીજા નંબરની વંદે ભારત સ્લીપર ટ્રેન હશે.

દેશની બીજા નંબરની વંદે ભારત સ્લીપર ટ્રેન બેંગ્લુરુ રેલવે સ્ટેશને પહોંચી ગઈ છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કેએસઆર બેંગ્લુરુ રેલવે સ્ટેશનની વચ્ચે દોડાવનારી ભારતની સૌથી ઝડપી ઓવરનાઈટ ટ્રેન હશે. હવે બેંગ્લુરુ સ્ટેશન ખાતે વંદે ભારત સ્લીપર ટ્રેનનો ફાઈનલ ટેસ્ટ કરવામાં આવશે, ત્યાર પછી પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.

અંતિમ ટ્રાયલ માટે પહોંચી ટ્રેન 
ભારત અર્થ મુવર્સ લિમિટેડ (BEML) દ્વારા ચેન્નઇ સ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી (ICF)ની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ટ્રેન બનાવવામાં આવી છે. ગ્રે અને ઓરેન્જ રંગવાળી આ ટ્રેન મંજૂરી મળ્યા બાદ શરૂ કરવામાં આવશે. મહારાષ્ટ્ર અને કર્ણાટક એમ બંને રાજ્યો વચ્ચે મુસાફરી ઝડપી બનશે જેના લીધે પ્રવાસીઓને મુસાફરી કરવા માટે એક પ્રીમિયમ અને આરામદાયક વિકલ્પ મળશે. હુબલી-ધારવાડ, બેલગાવી અને પુણેથી મુસાફરી કરનારા પ્રવાસીઓને સ્લીપર સેવાથી ઘણો ફાયદો થશે. આ સેવાઓ દરેક સુરક્ષા ટ્રાયલ પૂર્ણ કરી મંજૂરી મળ્યા બાદ ટ્રેન મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવશે. 

મુંબઈ-બેંગ્લુરુ વચ્ચે બીજી વંદે ભારત
દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન જાન્યુઆરી 2026માં હાવડા અને કામાખ્યા વચ્ચે શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન દ્વારા બંને શહેરો વચ્ચે યાત્રાના સમયમાં છ કલાક જેટલો ઘટાડો નોંધાયો હતો. આ જ રીતે મુંબઈ અને બેંગ્લુરુ વચ્ચે પણ મુસાફરીના સમયમાં ઘટાડો થવાની શક્યતા છે. 

શું છે ખાસિયત?
મુંબઈ-બેંગ્લુરુ વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 16 કોચ છે. આ ટ્રેનમાં 823 જેટલા મુસાફરોની સુવા-બેસવાની ક્ષમતા છે, જેમાં અગિયાર એસી- 3 ટીયર કોચ, ચાર એસી 2 ટીયર કોચ અને એક ફર્સ્ટ ક્લાસ એસી સામેલ છે. આ 180 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલી શકે છે. કોચને આરામદાયક રાત્રી મુસાફરી માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ટ્રેન ખલેલ, અવરજવર અને ઘોંઘાટને ઓછો કરે છે, જેનાથી મુસાફરોને શાંતિની મુસાફરીનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ટ્રેનમાં સુરક્ષા માટે ખાસ 'કવચ' સિસ્ટમ અને ઇમર્જન્સી માટે 'ટોકબેક' સુવિધા આપવામાં આવી છે. 

વંદે ભારત સ્લીપર ટ્રેનના નવા એસી કોચ આજકાલ ચર્ચાનો વિષય બન્યા છે. જેમાં મળતી સેવાઓ હરતી-ફરતી હોટેલ જેવી હશે. આ કોચમાં ઉત્તમ ટોયલેટ, ડિજિટલ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, કેમેરા અને સંપૂર્ણ એર કન્ડિશનિંગની સુવિધા હશે. જેથી એવું કહી શકાય કે આ ટ્રેન મુસાફરોની લાંબી મુસાફરીને આરામદાયક તેમજ ઝડપી બનાવવામાં સફળ નીવડશે.