Fri Jul 03 2026

Logo

સ્કૂલથી 500 મીટરના વિસ્તારમાં Sting ડ્રિંક પર પ્રતિબંધ: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય

2026-07-03 17:19:03
Author: Mumbai Samachar Team
Article Image

FSSAI એ પણ ભ્રામક જાહેરાતો મામલે સંબંધિત કંપનીઓને પણ ફટકારી નોટિસ

નાગપુરઃ મહારાષ્ટ્ર સરકારે બાળકોમાં વધતા એનર્જીના ડ્રિંકના વપરાશને લઈ સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે સ્કૂલના 500 મીટરના વિસ્તારમાં સ્ટિંગ એનર્જી ડ્રિંકના વેચાણમાં પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી લેવામાં આવી છે.
મહારાષ્ટ્ર રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના અને ખાસ કરીને બાળકોના આરોગ્યને ધ્યાને લઈને એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે સ્કૂલના 500 મીટરના દાયરામાં  'Sting' નામનું એનર્જી ડ્રિંક્સના વેચાણ પર બ્રેક લગાવી દીધી છે. 

ક્યો મહત્ત્વનો નિર્ણય લેવાયો?

મહારાષ્ટ્રના ખાદ્યના મામલાના મંત્રી નરહરી ઝિરવાલે વિધાનસભામાં આ વિષય પર એક જાણકારી આપી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, ટૂંક જ સમયમાં આ વિષય સંબંધી એક વિસ્તૃત ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે. એનો ચુસ્તપણે અમલ પણ કરાવવામાં આવશે. નિયમોનું દરેક સ્કૂલે પણ કડકપણે પાલન કરવાનું રહેશે. 

સરકારનું એવું સ્પષ્ટ માનવું છે કે, બાળકોમાં અને ટીનેજમાં આ પ્રકારના એનર્જી ડ્રિંક્સનું સેવન ખતરનાક રીતે વધી રહ્યું છે. એની સીધી અસર જે તે વ્યક્તિના આરોગ્ય પર પડી શકે છે. આ કારણે સ્કૂલની આસપાસના ખાણી-પીણીના વેપારીઓને ત્યાં 'Sting' નામના એનર્જી ડ્રિંક્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવા નિર્ણય લેવાયો છે. 

આ માટે એક ખાસ પરિપત્ર તૈયાર કરવામાં આવશે. એ પછી એના પાલનની સાથે સમયાંતરે એનું મોનટરિંગ પણ કરાશે. FSSAIએ એનર્જી ડ્રિંક્સના ઉત્પાદન અને વેચાણ સામે આંખ લાલ કરી છે એવા સમયે મહારાષ્ટ્ર સરકારે આ વાતને ગંભીરતાથી લઈને તેને લાગુ કરવા માટે યોજના બનાવી છે. 

કઈ કંપનીને નોટિસ ફટકારવામાં આવી?

આ નિર્ણય એવા સમયે આવી રહ્યો છે જ્યારે FSSAIએ આવા પીણા સામે કેટલાક એક્શન લેવાના પણ શરૂ કરી દીધા છે. આવા ડ્રિંક્સ બનાવતી કંપનીઓના ભ્રામક બ્રાડિંગ, ઉત્પાદન તથા ગ્રાહકોને ખોટા રસ્તે દોરવાના અભિગમ અંતર્ગત કેટલાક દાવા કરતા પ્રયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 

પહેલી જુલાઈથી FSSAIએ Red Bull, PepsiCoની Adrenaline Rush, Reliance ની Campa Energy Gold Boost, Sting, Hell Energy અને Coca-Colaની Monster Energy સહિત છ જેટલી બ્રાંડને લીગલ નોટિસ ફટકારી હતી. 

ડૉક્ટર્સ અને આરોગ્ય તેમજ ફૂડ સંબંધિત નિષ્ણાંતો આ પહેલા પણ આવા ડ્રિંક્સ આરોગ્ય માટે જોખમી હોવાનું કહી ચૂક્યા છે. ડ્રિંક્સને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આવા ડ્રિંક્સમાં રહેલા કૈફીન તથા શુગર એક માત્રાથી વધારે ઉમેરવામાં આવે છે.જે શરીરને ખરા અર્થમાં તો કોઈ ઊર્જા કે એનર્જી આપતા જ નથી.

કોઈ એનર્જી મળતી નથી

એનર્જી આપવાના બદલે થાકમાં વધારો કરી દે છે. વધુ પડતી માત્રામાં એને પીવામાં આવે કે સતત એનું સેવન કરવામાં આવે તો બાળકોમાં તેમ જ વિદ્યાર્થીઓમાં હાર્ટ અટેકનું જોખમ, ઊંઘની સમસ્યા, બેચેની તથા અન્ય શરીર સંબંધી જોખમમાં વધારો થઈ શકે છે. આવું ન થાય એ માટે મહારાષ્ટ્ર સરકારે પગલા લીધા છે. 

એફએસએસએઆઈ (FSSAI)એ આ સંદર્ભે સ્પષ્ટતા કરી હતી કે, હાલમાં આપણા દેશમાં એનર્જી ડ્રિંક્સ સંબંધીત કોઈ પીણાની કોઈ કેટેગરી જ નથી તેમ છતાં કેટલીક કંપનીઓ એનર્જી ડ્રિંક્સના નામે વધારે શુગરવાળા પીણા વેચી રહી છે. ખોટી રીતે દાવાઓ કરી રહી છે.તથ્ય વગરના દાવાઓને ધ્યાને લઈને જે પગલાં લેવામાં આવ્યા છે એ કાયદાના દાયરાની અંતર્ગત લેવામાં આવ્યા છે. આ પ્રકારના તમામ ડ્રિંક્સ બાળકો તથા વિદ્યાર્થીઓના આરોગ્ય માટે જોખમી છે.

વધુ જુઓ...