Fri Jul 03 2026

Logo

કરોડોના ખર્ચ પછી પણ કેમ દર વર્ષે ડૂબે છે 'મુંબઈ'? જાણો કડવી વાસ્તવિકતા

2026-07-03 18:22:14
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ફરી પૂરનું સંકટ તોળાતું રહ્યું છે. ૨૦૦૫થી ૨૦૨૬ સુધી કરોડો રૂપિયાના ખર્ચ અને BRIMSTOWAD પ્રોજેક્ટ છતાં હિંદમાતા અને અંધેરી સબવે કેમ ડૂબી જાય છે? 

મુંબઈઃ મુંબઈ સહિત સમગ્ર દેશભરમાં આ વખતે ચોમાસાની ખેડૂતો સાથે નાગરિકોએ કાગડોળે રાહ જોયા પછી આખરે ચોમાસું બેસી ગયું છે, પરંતુ દર વર્ષે ભારે વરસાદ પછી મુંબઈગરાની સમસ્યાનો ઉકેલ આવતો નથી. 2005ના વિનાશક વરસાદ પછી પણ પાલિકા, સરકાર સહિત અન્ય એજન્સી પણ પાઠ ભણી નથી. એવો દાવો કરવામાં આવે છે કે 21 વર્ષમાં છ-છ જેટલા મુખ્ય પ્રધાન અને નવ પાલિકાના મેયર બદલાયા પછી મુંબઈમાં દર વર્ષે લાખો લોકોના જીવ પડિકે બંધાઈ જાય છે, જેમાં અનેક લોકો પણ મોતને ભેટે છે એનું શું કારણ?

મોડે મોડે પણ એક અઠવાડિયામાં કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ સહિત રાજસ્થાનને આવરી લીધું છે, ત્યારે મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ થાણે, મુંબઈ, રાયગઢ, પાલઘરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે સૌને સવાલ એ થાય કે દર વખતે ભારે વરસાદમાં મુંબઈ-થાણે કેમ ડૂબે છે. હવામાન વિભાગે ભારે વરસાદને લઈ લોકોને સાવધ રહેવાની અપીલ કરી છે. મુંબઈમાં પચાસથી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે, તેથી લોકોએ બિનજરુરી બહાર નહીં નીકળવાનો પણ અનુરોધ કર્યો છે. પણ દરેક વખતે મુંબઈ વરસાદમાં ડૂબે છે અનેક લોકો જીવ પણ ગુમાવે છે, પરંતુ પ્રશાસન પાસે તપાસ સિવાય કોઈ વિકલ્પ હોતો નથી.

આખરે મુંબઈગરા લાચાર કેમ
મુંબઈમાં ચોમાસુ બેઠા પછી એક સ્ક્રિપ્ટ નક્કી હોય તેમ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાની સાથે દક્ષિણ મુંબઈથી લઈને અંધેરી સબવેથી લઈને સાયન-કુર્લા સુધી રેલવે ટ્રેક અને રસ્તાઓ ચોક્કસ ડૂબી જાય છે. રસ્તાઓ પર કાર પણ તરવા લાગે છે, જ્યારે લાઈફલાઈન પર બ્રેક મૂકાઈ જાય છે. ચાર મહિના પછી પાણી ઉતરે છે, જે બીજા વર્ષે પણ પુનરાવર્તન થાય છે, પરંતુ 2005ના પૂરથી લઈને 2026 સુધીના 21 વર્ષમાં હજારો કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યા પછી મુંબઈ કેમ ડૂબી જાય છે. કરોડો રુપિયાના ખર્ચા પછી આખરે મુંબઈગરાઓ કેમ રહે છે લાચાર. વિસ્તૃતમાં વાત કરીએ.

26 જુલાઈએ મુંબઈના બેહાલ કર્યાં હતા
ફ્લડ ઈન મુંબઈ 2005ના રિપોર્ટ અનુસાર 26 જુલાઈ 2005ના 24 કલાકમાં 944 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. રેકોર્ડ બ્રેક વરસાદ પડવાને કારણે મુંબઈમાં સેંકડો લોકોના મોત થયા હતા. ભયાનક પૂર અને જાનહાનિ માટે પાઈપલાઈન, નાળામાં ક્ષમતા કરતા વધુ પાણીના ભરાવા, મીઠી નદીની આસપાસના પરિસરમાં અતિક્રમણ અને હાઈ ટાઈડ જવાબદાર હતી. આ વિનાશક આફત પછી પાલિકાએ એક મોટી સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ બનાવ્યો હતો. 6,000 કરોડના ખર્ચે BRIMSTOWAD પ્રોજેક્ટ બનાવ્યો હતો, જેમાં મુંબઈમાં પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ ગણાવ્યો હતો.

આ પૂરસંકટ સમયે સરકાર અને પાલિકા દ્વારા એવો નિર્દેશ કરવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં હવે આવી સ્થિતિ કયારેય સર્જાશે નહીં. ત્યારબાદ એક વિશાળ સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો. લગભગ 6,000 કરોડ રૂપિયાનો આ BRIMSTOWAD પ્રોજેક્ટ બન્યો, આ પ્રોજેક્ટને મુંબઈની પૂરની સમસ્યાનું કાયમી સમાધાન જાહેર કરવામાં આવ્યું હતું. 

દર વર્ષે તે હિંદમાતા, તે અંધેરી સબ-વે કેમ ડૂબે છે?
એક રિપોર્ટ અનુસાર દર વર્ષે ભારે વરસાદના પગલે અંધેરી સબવે, હિંદમાતા, મિલન સબવે અને સાયન પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિકની અવરજવર ઠપ થઈ જાય છે. આ સબવે માર્ગના સ્તરથી ઘણા નીચા બનાવવામાં આવ્યા છે, જેથી તે પાણીને પોતાના તરફ ખેંચવામાં નેચરલ સીંકનું કાર્ય કરે છે.  
બીએમસી ત્યાં ચોમાસામાં હાઈ-કેપેસિટીવાળા પંપ લગાવે છે, પણ ભારે વરસાદના કારણે પંપ પણ જવાબ આપી દે છે અને મિનિટોમાં સમગ્ર વિસ્તાર જળમગ્ન બની જાય છે. હિંદમાતા વિસ્તારમાં એક રિપોર્ટ પ્રમાણે ત્યાંની ગટર વ્યવસ્થા 100 વર્ષ જૂના નેટવર્ક પર ટકેલી છે. આ વિસ્તારમાં નાળા અંગ્રેજોના જમાનાથી છે, જે આજની વસ્તીની ક્ષમતાના 25 ટકા પણ નથી. 

જિઓગ્રાફિકલ મજબૂરી કે પ્લાનિંગની નિષ્ફળતા?
મુંબઈ શહેર મૂળ સાત ટાપુઓને જોડીને વસેલું શહેર છે. ગીચ વસ્તી ધરાવતા આ શહેરના ભાગો દરિયાની સપાટીથી નીચે અને બાજુમાં સ્થિત છે. જયારે ભારે વરસાદ અને ઊંચી લહેરો એક સાથે આવે છે, ત્યારે દરિયાનું પાણી નાળાંઓ મારફતે શહેરમાં ઘુસવા માંડે છે. 

એક રિપોર્ટ અનુસાર, મુંબઈમાં 1991 પછી મેન્ગ્રોવ 40 ટકાથી વધુ જંગલો નાશ પામ્યા છે. આ મેન્ગ્રોવ કુદરતી સ્પંજનું કામ કરતા હતા, જે વરસાદી પાણીને શોષીને ધીમે ધીમે છોડતા હતા. હવે તેની જગ્યા પર કોન્ક્રીટના જંગલો ઊભા થયા છે, જે પાણીને જમીનમાં ઉતરવા દેતા નથી. આ બાંધકામોના લીધે 60 ટકા મીઠી નદીઓનો સ્ત્રોત ઘટ્યો છે. 

21 વર્ષોનો હિસાબ: ખર્ચ કેટલો, અસર કેટલી?
2005ના પૂરસંકટ પછી પાલિકાએ સ્ટોર્મ વોટર ડ્રેનેજ પર 15,000 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવામાં આવ્યો હતો. પમ્પિંગ સ્ટેશન આઠથી વધીને 12 થયા, નાના પંપો 500થી વધારે જગ્યા પર સ્થાપિત કરવામાં આવ્યા છે. પાલિકા કમિશનરના મતે 400થી વધારે પૂર કેન્દ્રોને ઘટાડીને 90 સુધી લાવવામાં આવ્યા છે. આંકડાઓ પરથી બહોળો સુધારો થયો હોય તેવું લાગે છે, પરંતુ સવાલ એ છે કે આ 90 સ્પોટ શહેરના મહત્વના ટ્રાન્સપોર્ટ હબ અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો છે, જેમાં હિંદમાતા, અંધેરી, સાયન અને કુર્લા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ બધા વિસ્તારો ડૂબતા સમગ્ર શહેર ઠપ થઈ જાય છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર ચોમાસામાં મુંબઈમાં દર વર્ષે સરેરાશ 2500 લોકોનું મૃત્યુ થાય છે. પરંતુ આ આંકડાઓની ગણતરી રિપોર્ટમાં ક્યાંક દબાઈ જતી હોય છે. મુંબઈમાં હવે ઓટોમેટિક વેધર સ્ટેશન છે. આઇએમડીની નાઉકાસ્ટ સિસ્ટમ હવે દર ત્રણ કલાકે અપડેટ આપે છે, આ સાથે જ પાલિકાની ફ્લડ વોર્નિંગ સિસ્ટમ પણ લોકોને મેસેજ મોકલે છે. આ સમગ્ર સિસ્ટમ રિએક્ટિવ છે, જે વરસાદ બાદ બચાવ કામગીરીમાં જોડાય છે. પરંતુ મુંબઈગરાઓની પરિસ્થિતિ જોતા જરૂરિયાત 'પ્રોએક્ટિવ' પ્લાંનિંગની છે. 

દર વર્ષે ચોમાસામાં મુંબઈગરાઓને એની એ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ભારે વરસાદ, પાણીમાં ગરકાવ વિસ્તારો, ટ્રાફિક જેવી સમસ્યાઓનું પુનરાવર્તન થતું રહે છે. શું આ ખરેખર પૈસાનો અભાવ છે કે પછી નબળા આયોજન, જેનો જવાબ વર્ષો પછી પણ મળ્યો નથી. મુંબઇનો 'ફ્લડ મેપ' કદાચ દરેક ચોમાસાની ભવિષ્યવાણી બની રહેશે.

દર વર્ષે થનારા મૃત્યુ અને ઘટનાના આંકડાઓ 
દર વર્ષે ચોમાસા સમયે મુંબઈગરાઓને ફક્ત પાણી ભરવાની સમસ્યા જ નહીં પરંતુ ભારે વરસાદ દરમિયાન બનતા માર્ગ અકસ્માત, કરંટ લાગવા અને દીવાલો ધરાશાયી થવાની દુર્ઘટનાને પગલે કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવે છે. 

. 2021માં વરસાદને કારણે ચેમ્બુરમાં એક ઘરની દીવાલ ધરાશાયી થતા 7 લોકોના મોત નિપજ્યા હતા. 

. 2022માં કુર્લામાં પાણી ભરાયેલા સબવેમાં કારમાં ફસાયેલા એક વ્યક્તિનું પાણીમાં ડૂબી જતા મોત થયું હતું. 

. 2024માં વીજ થાંભલાથી કરંટ લાગતા બે વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા

. 2025માં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી પૂરમાં 21 લોકોના મૃત્યુ થયા હતl.