Fri Jul 03 2026

Logo

સાકીનાકામાં મેનહૉલમાં પડવાથી મૃત્યુ પ્રકરણે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો નોંધાયો

2026-07-03 18:30:00
Author: Yogesh C. Patel
Article Image

મુંબઈ: સાકીનાકામાં ખુલ્લા મેનહૉલમાં પડી જવાથી પંચાવન વર્ષની વ્યક્તિએ જીવ ગુમાવ્યાની ઘટનામાં કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. 

ડેપ્યુટી પોલીસ કમિશનર દત્તા નલાવડેએ જણાવ્યું હતું કે મુંબઈ મહાનગરપાલિકાના એલ વૉર્ડના અધિકારીએ નોંધાવેલી ફરિયાદને આધારે સાકીનાકા પોલીસે કોન્ટ્રાક્ટર અને ઘટના સમયે હાજર કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

કહેવાય છે કે મેનહૉલનું ઢાંકણ કાઢવામાં આવ્યા પછી ફરતે કોઈ બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા નહોતા. એ સિવાય રાહદારીઓનું ધ્યાન દોરાય એ માટેની કોઈ તકેદારી લેવાઈ નહોતી. ઘટનાસ્થળે સુરક્ષાના ઉપાયના અભાવ જણાયો હોવાથી પાલિકાએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ લાલ આંખ કરી હતી.

મહાપાલિકાના સ્યુએજ ઑપરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ગુરુવારે કુર્લા-સાકીનાકાના ખૈરાની રોડ પર મેનહૉલ પર સંરક્ષણ જાળી બેસાડવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે સાકીનાકાના યાદવ નગરમાં રહેતો અસલમ ઈસાક શેખ મોબાઈલ પર વાત કરતો ત્યાંથી પસાર થયો હતો. મેનહૉલનું ઢાંકણ ખુલ્લું હોવાનું શેખના ધ્યાનમાં આવ્યું નહોતું અને તે મેનહૉલમાં પડી ગયો હતો. પાણીના પ્રવાહને કારણે મેનહૉલ નીચેની ગટરમાં તણાઈ ગયેલા શેખનો મૃતદેહ બાદમાં ફાયર બ્રિગેડના જવાનોએ શોધી કાઢ્યો હતો.

આ ઘટનાને ગંભીરતાથી લઈ પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. એ સિવાય પાલિકા પ્રશાસને પણ આસિસ્ટન્ટ કમિશનર સહિત ચાર અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા અને એડિશનલ કમિશનરની અધ્યક્ષતામાં ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી.