નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ(ઇપીએફ) યોજના ૨૦૨૬ની સૂચના સાથે પ્રોવિડન્ટ ફંડ સબ્સ્ક્રાઇબર્સ માટે એક નવા યુગની શરૂઆત કરી છે. દરમિયાન એક આરટીઆઇ માહિતીમાં ખુલાસો થવા પામ્યો છે કે દેશભરમાં ૩૦.૯૧ લાખ નિષ્ક્રિય ઇપીએફ ખાતાઓમાં ૯,૩૩૦ કરોડ રૂપિયાથી વધુ નાણા ફસાયેલા છે.
૨૯ જૂનથી અમલમાં આવેલી ઇપીએફ યોજના, ૨૦૨૬એ ઇપીએફ યોજના, ૧૯૫૨નું સ્થાન લીધું છે. આ નવી સિસ્ટમનો હેતુ પ્રોવિડન્ટ ફંડના નિયમોને સરળ બનાવવાનો અને લગભગ ૮ કરોડ સક્રિય ઇપીએફઓ સબ્સ્ક્રાઇબર્સ માટે સિસ્ટમને વધુ ડિજિટલ બનાવવાનો છે.
આ સુધારાઓ વચ્ચે આરટીઆઇ દ્વારા મળેલી માહિતી એવા કામદારોની નિવૃતિ બચતની રકમની ઝલક આપે છે કે જેના પર હજુ સુધી કોઇએ દાવો કર્યો નથી. એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન(ઇપીએએફઓ) અનુસાર ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી ૩૦,૯૧,૮૬૨ નિષ્ક્રિય ખાતા હતા. જેમાં લગભગ ૯,૩૩૦ કરોડ રૂપિયાની દાવો કર્યા વગરની રકમ જમા હતી.
તાજેતરના આરટીઆઇ ડેટામાં ગત નાણાકીય વર્ષની સરખામણીએ સામાન્ય સુધારો જોવા મળ્યો છે. નિષ્ક્રિય ખાતાઓની સંખ્યામાં લગભગ ૯૨,૦૦૦નો ઘટાડો નોંધાયો છે. આ સંખ્યા ૩૧ માર્ચ, ૨૦૨૫ના રોજ ૩૧.૮૩ લાખથી ઘટીને એક વર્ષ બાદ ૩૦.૯૧ લાખ થઇ ગઇ હતી. તો વળી દાવો કર્યા વગરની રકમ ૮૫૧ કરોડ રૂપિયા ઘટીને ૧૦,૧૮૧ કરોડ રૂપિયાથી ૯૩૩૦ કરોડ રૂપિયા થઇ ગઇ હતી. આ ઘટાડા છતાં લગભગ ૩૧ લાખ નિષ્ક્રિય ખાતાઓ અને કામદારોની નિવૃતિ બચતના હજારો કરોડ રૂપિયા હજુ પણ દાવાની રાહ જોઇ રહ્યા છે.