અલ નીનોના કારણે વૈશ્વિક આબોહવા અને ચોમાસા પર પડનારી ગંભીર અસરો અંગે એલર્ટ જાહેર
નવી દિલ્હીઃ વિશ્વ હવામાન સંગઠન (ડબલ્યૂએમઓ) એ તેના તાજેતરના ગ્લોબલ સિઝનલ ક્લાઈમેટ અપડેટ રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે ઉષ્ણકટિબંધીય પેસિફિક મહાસાગરમાં અલ નિનોની સ્થિતિ ઝડપથી મજબૂત થઈ રહી છે અને જૂલાઈથી સપ્ટેમ્બર 2026 દરમિયાન તે શક્તિશાળી બનવાની શક્યતા છે.
સંગઠન અનુસાર વિશ્વના અગ્રણી આબોહવા આગાહી કેન્દ્રો દ્વારા તૈયાર કરાયેલા મલ્ટી મોડલ વિશ્લેષણે એ વાત પર વ્યાપક સહમતિ વ્યક્ત કરી છે કે મધ્ય અને પૂર્વીય વિષુવવૃત્તીય પેસિફિકમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. ઘણા વિસ્તારોમાં સરેરાશ દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાનો અંદાજ છે, જે મજબૂત અલ નિનોના સ્પષ્ટ લક્ષણ માનવામાં આવે છે.
ડબલ્યૂએમઓના કહેવા પ્રમાણે અલ નિનોની અસરથી આગામી મહિનાઓમાં વિશ્વના ઘણા ક્ષેત્રોમાં ભીષણ ગરમી, લાંબા સમય સુધી દુષ્કાળ, ભારે વરસાદ, પૂર, દરિયાઈ ગરમીના મોજા અને અન્ય હવામાન ઘટનાઓની શક્યતા વધશે. ઉત્તરી ગોળાર્ધમાં પાનખર સુધી તેની અસરો વધુ વ્યાપક બનવાની ધારણા છે.
વિષુવવૃત્તીય એટલાન્ટિક મહાસાગરનું તાપમાન પણ સામાન્ય કરતા વધારે રહેવાની ધારણા છે, જેની વૈશ્વિક આબોહવા પ્રણાલી પર વધારાની અસરો પડી શકે છે. હવામાનશાસ્ત્રીઓના મતે અલ નિનોની અસર બધા દેશોમાં સમાન નથી, પરંતુ સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિઓ અને વાતાવરણીય પ્રણાલીઓના આધારે તેના પરિણામો જુદા જુદા પ્રદેશોમાં બદલાય છે.
એક તરફ અલ નીનોના કારણે ધરતી પર તાપમાન વધે છે અને તેનાથી વિપરીત જેને લા નીના કહેવામાં આવે છે જે તાપમાનમાં ઘટાડો કરે છે. એક નિવેદનમાં ડબલ્યૂએમઓના સેક્રેટરી-જનરલ સેલેસ્ટે સેલેસ્ટે સાઉલોએ કહ્યું કે "અલ નિનોની સ્થિતિ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. તેનાથી દુનિયામાં અનેક વિસ્તારોમાં દુષ્કાળ અને ભારે વરસાદની સંભાવના છે.
12 જૂનના રોજ ભારત હવામાન વિભાગે અલ નિનોની સ્થિતિની શરૂઆતની ઘોષણા કરી અને કહ્યું કે દક્ષિણપશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન તે વધુ મજબૂત બનશે. અલ નિનોની સ્થિતિમાં સામાન્ય રીતે ભારતમાં ઓછો વરસાદ વરસે છે.
જૂનમાં સમગ્ર દેશમાં લગભગ 40 ટકા વરસાદમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે જૂલાઈ દરમિયાન ભારતમાં માસિક સરેરાશ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની ધારણા છે.