ટૉરન્ટોઃ લિયોનેલ મેસીની જેમ સૌથી વધુ છ વર્લ્ડ કપ રમનાર પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Ronaldo)એ ગુરુવારે પોતાના ફિફા વર્લ્ડ કપ ઇતિહાસમાં પહેલી વખત નૉકઆઉટ મૅચમાં ગોલ કર્યો, પણ એ ગોલ હમણાં કંઈક અલગ રીતે ચર્ચાસ્પદ થયો છે. રોનાલ્ડોએ ક્રોએશિયા સામેની મૅચમાં આ ગોલ પેનલ્ટી કિક (Kick)ની મદદથી કર્યો હતો.
વાત એવી છે કે એક એવો વીડિયો વાઇરલ થયો છે જેમાં રોનાલ્ડો કિક મારતાં પહેલાં કંઈક બોલતો બતાવવામાં આવ્યો છે. કેટલાક સૉકરપ્રેમીઓનો દાવો છે કે રોનાલ્ડો સ્પૉટ-કિક લેતાં પહેલાં `બિસમિલ્લાહ' (Bismillah) બોલ્યો હતો. રોનાલ્ડો સાડાત્રણ વર્ષથી સઉદી અરેબિયાની અલ નાસર ટીમ વતી રમે છે અને ત્યાંના કેટલાક ખેલાડીઓ આ રીતે આસ્થા સાથે મનોબળ મજબૂત કરવા માટે બોલતા હોય છે એટલે તે પણ આવું બોલ્યો એવું તેના કેટલાક ચાહકોનું માનવું છે. જોકે તે ખરેખર શું બોલ્યો એ બાબતમાં કંઈ જ પુષ્ટિ નથી મળી એટલે આ ચર્ચા હજી થોડો સમય ચાલુ રહેશે.
Am I going mad or Ronaldo just said "Bismillah" before taking the penalty shot?#ronaldo #portugal pic.twitter.com/5fuLydHQ75
— Giorgio (@puftdunk) July 3, 2026
પોર્ટુગલે ક્રોએશિયાને હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રોનાલ્ડોના આ પેનલ્ટી કિકવાળા 68મી મિનિટવાળા ગોલ ઉપરાંત રામૉસના 94મી મિનિટવાળા ગોલની મદદથી પોર્ટુગલે 2-1થી જીત મેળવી હતી.
ઇન્ટરનેટ પર રોનાલ્ડો વિશે વાઇરલ થયેલી આ વીડિયો ક્લિપ વિશે કહેવાનું કે એની સાથે કોઈ જ પ્રકારની ધાર્મિક માન્યતા કે લાગણી સંકળાયેલી નથી. રોનાલ્ડો કોઈ ધાર્મિક શબ્દ બોલ્યો હોવાના દાવાને સમર્થન નથી મળ્યું. સોશિયલ મીડિયામાં અને નિષ્ણાતોમાં સામાન્ય માન્યતા એવી છે કે જેમ ઘણા ખેલાડીઓ અને ઍથ્લીટો પોતાનું કોઈ પણ પ્રકારનું અભિયાન કે ઍક્શન શરૂ કરતાં પહેલાં પોતાને ઉત્સાહ અને વિશ્વાસ અપાવતા તેમ જ મનોબળ મજબૂત કરાવતા શબ્દો ગણગણે એ જ રીતે 41 વર્ષીય રોનાલ્ડોએ ઊંડો શ્વાસ લીધો હતો અને કિક મારતાં પહેલાં મૉટિવેશનલ શબ્દો ઉચ્ચાર્યા હતા.