Fri Jul 03 2026

Logo

મુંબઈ યુનિવર્સિટીની મોટી બેદરકારી: LLBના 29 વિદ્યાર્થીઓને ટેકનિકલ ભૂલના કારણે મળ્યા શૂન્ય માર્ક્સ

2026-07-03 18:56:22
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મુંબઈ યુનિવર્સિટી (એમયુ)ની એક ગંભીર ભૂલને કારણે કાયદાના અંતિમ વર્ષના 29 વિદ્યાર્થીઓને છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષામાં એક અથવા વધુ પેપરમાં શૂન્ય ગુણ મળ્યા હતા. સેનેટ સભ્યોએ દખલ કર્યા પછી યુનિવર્સિટીને પરિણામોમાં સુધારો કરવાની ફરજ પડી હતી.

યુનિવર્સિટીના ત્રણ વર્ષના એલએલબી પ્રોગ્રામના વિદ્યાર્થીઓને આંચકો લાગ્યો જયારે તેમને જાણવા મળ્યું કે, મોટા ભાગના પ્રશ્નોના જવાબ આપ્યા હોવા છતાં તેમને શૂન્ય અથવા અસામાન્ય રીતે ઓછા ગુણ મળ્યા હતા. પોતાની ઉત્તરવહીઓ જોવાની માંગણી કર્યા બાદ આ ભૂલો પ્રકાશમાં આવી હતી.

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં, ઉત્તરવહીઓ તપાસવામાં જ આવી નહોતી, જયારે અમુક કિસ્સાઓમાં માત્ર થોડા જ જવાબો તપાસવામાં આવ્યા હતા. તમામ પ્રશ્નોના જવાબ આપનાર એક વિદ્યાર્થીએ કહ્યું કે તેના માત્ર ત્રણ જ જવાબો તપાસવામાં આવ્યા હતા, જેના પરિણામે તેને માત્ર નવ માર્ક્સ મળ્યા હતા.

વિદ્યાર્થીઓએ પહેલા યુનિવર્સિટીના પરીક્ષા અને મૂલ્યાંકન બોર્ડના અધિકારીઓનો સંપર્ક કર્યો, પરંતુ તેમને યોગ્ય પ્રતિભાવ ન મળ્યો હોવાનો દાવો કર્યો ત્યાર બાદ તેઓએ યુવા સેના (યુબીટી)ના પ્રતિનિધિઓ અને યુનિવર્સિટી સેનેટ સભ્યોનો સંપર્ક કર્યો, જેમણે પ્રો-વાઈસ-ચાન્સેલર અજય ભામરે સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો અને ઉત્તરવહીઓનું તાત્કાલિક પુનઃમૂલ્યાંકન કરવાની માંગ કરી હતી.

સેનેટ સભ્ય પ્રદીપ સાવંતે કહ્યું કે જ્યારે વિદ્યાર્થીઓને શૂન્ય ગુણ મળે અને યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરવા છતાં તેમને કોઈ મદદ ન મળે,  તે એક "ગંભીર બાબત" છે. તેમણે વાઇસ-ચાન્સેલર પ્રો. રવિન્દ્ર કુલકર્ણીને આ ભૂલ માટે જવાબદારો સામે પગલાં લેવાનો આગ્રહ કર્યો.