કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો ઘટનાક્રમ પ્રકાશમાં આવ્યો છે. જેમા મમતા બેનર્જીની ટીએમસીમાંથી હકાલપટ્ટી બાદ હવે તેમને પાર્ટી કાર્યાલયનો કબજો પણ ગુમાવવો પડ્યો છે.
ઋતબ્રત બેનર્જીએ પરિસરને તાળું મારી દીધું
આ અંગે મળતી માહિતી મુજબ ટીએમસીના ઋતબ્રત જૂથે કોલકાતામાં પાર્ટીના કાર્યાલયનો કબજો લઈ લીધો છે. જેમાં ઋતબ્રત બેનર્જીએ પરિસરને તાળું મારી દીધું અને ચાવીઓ પોતાની પાસે રાખી છે. આ જૂથના નેતાઓએ દાવો કર્યો છે કે તેઓ વાસ્તવિક ટીએમસીનું પ્રતિનિધિત્વ કરે છે.
આ ઘટનાક્રમ મુજબ શુક્રવારે બપોરે ઋતબ્રત જૂથના નેતાઓએ મેટ્રોપોલિટન ઇએમ બાયપાસ પર સ્થિત તૃણમૂલ પાર્ટી કાર્યાલયની મુલાકાત લીધી અને એક બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન ઋતબ્રતના નજીકના સાથીઓએ કાર્યાલયના પ્રવેશદ્વાર પર નવા પોસ્ટરો લગાવ્યા અને વાસ્તવિક તૃણમૂલ હોવાનો દાવો કર્યો હતો. આ બેઠક બાદ તેઓ પાર્ટી કાર્યાલયને તાળું મારીને ચાલ્યા ગયા હતા. જેમાં ટીએમસી પાર્ટી ઓફિસના પ્રવેશદ્વાર પર મમતા બેનર્જી અને અરૂપ રોયના ફોટા વાળું એક નવું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું હતું.
અરૂપ રોયને નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા
ટીએમસીના આ જૂથે મમતા બેનર્જીને પ્રમુખ પદ પરથી હટાવીને અરૂપ રોયને નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ જૂથ મમતા બેનર્જીને તેમના સલાહકાર માને છે.
મમતા બેનર્જી અમારા સલાહકાર
આ ઘટના બાદ મીડિયા સાથે વાત કરતા પાર્ટી નેતા અખરુઝમાનએ કહ્યું, આ પાર્ટી ઓફિસ અમારી છે. અમે તૃણમૂલ છીએ. તેમજ ઋતબ્રત બેનર્જીએ કહ્યું કે, અમે અમારા પાર્ટી કાર્યાલય પર પહોંચી ગયા છીએ. મમતા બેનર્જી અમારા સલાહકાર છે. ઋતબ્રત જૂથની બેઠક શેના વિશે હતી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.આ ઘટના હાલમાં ચૂંટણી પંચ સાથે યોજાયેલી બેઠક બાદ ઘટી છે.
તૃણમૂલ જૂથ ગુરુવારે દિલ્હીમાં ચૂંટણી પંચને મળ્યું હતું
ઉલ્લેખનીય છે કે, ઋતબ્રત બેનર્જીના નેતૃત્વ હેઠળના તૃણમૂલ જૂથ ગુરુવારે દિલ્હીમાં ચૂંટણી પંચને મળ્યું હતું. આ બેઠક બાદ ઋતબ્રતએ દાવો કર્યો હતો કે પાર્ટીના સંગઠનાત્મક ફેરફારો સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો કમિશનને સુપરત કરવામાં આવ્યા છે.
માહિતી 23 જૂનના રોજ ચૂંટણી પંચને પહોંચાડવામાં આવી
તેમણે જણાવ્યું હતું કે 22 જૂનના રોજ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના ખાસ સત્ર દરમિયાન અરૂપ રોયને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને નવી રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની રચના કરવામાં આવી હતી. આ માહિતી 23 જૂનના રોજ ચૂંટણી પંચને પહોંચાડવામાં આવી હતી.