Sat Jul 04 2026

Logo

'બટવારા 1947'નું ટીઝર જોઈ બોબી દેઓલ રોકી ન શક્યો પોતાની લાગણી, પોસ્ટ મૂકીને મોટાભાઈ વિશે લખી નોટ

2026-07-03 21:11:24
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ સન્ની દેઓલની ફિલ્મ બટવારા ઓગસ્ટ મહિનામાં આવી રહી છે. આ ફિલ્મનું ટીઝર લોકોને પસંદ આવી રહ્યું છે. આ ફિલ્મનું નામ પહેલા લાહૌર 1947 રાખવામાં આવ્યું હતું. બોબી દેઓલે ફિલ્મના ટીઝર પર પોતાનો મત વ્યક્ત કર્યો છે. બોબી દેઓલની ફિલ્મ 'આલ્ફા' 3 જુલાઈના રોજ સિનેમાઘરમાં રિલીઝ થઈ છે. YRF સ્પાય યુનિવર્સનો ભાગ એવી આ એક્શન ફિલ્મમાં બોબીની સાથે આલિયા ભટ્ટ અને શર્વરી મુખ્ય ભૂમિકામાં છે. તેમાં અનિલ કપૂર પણ છે અને તેમાં ઋત્વિક રોશનનો કેમિયો પણ છે.સની દેઓલની આ ફિલ્મ અસગર વજાહતના પ્રખ્યાત નાટક 'જીસ લાહોર નઈ વેખ્યા, ઓ જામ્યા એ નઈ' પર આધારિત છે, જે 1947ના ભારત અને પાકિસ્તાનના ભાગલાની પીડા દર્શાવે છે. 

શું કહ્યું બોબી દેઓલે?
આ ફિલ્મનું સંગીત એ.આર.રહેમાને આપ્યું છે અને ગીતો જાવેદ અખ્તરે લખ્યા છે.'બટવારા 1947'માં સની દેઓલ સિકંદર મિર્ઝાનું પાત્ર ભજવે છે. સની ઉપરાંત આ ફિલ્મમાં પ્રીતિ ઝિન્ટા, શબાના આઝમી, અલી ફઝલ, અભિમન્યુ સિંહ અને કરણ દેઓલ પણ છે. 'બટવારા 1947'નું ટીઝર જોયા પછી, સની દેઓલના નાના ભાઈ બોબી દેઓલે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો આનંદ વ્યક્ત કર્યો. ટીઝર શૅર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, "તું શ્રેષ્ઠ છે, ભાઈ." બોબીએ ઉમેર્યું, "હું આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છું અને તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું." તેણે 'બટવારા 1947'ની આખી ટીમને શુભેચ્છાઓ પણ પાઠવી. ફિલ્મને લઈને અનેક એવી વાતો થઈ રહી છે. ફિલ્મમાં ભાગલાની પણ વાત કરવામાં આવી છે પણ ફિલ્મનો મુખ્ય પ્લોટ અલગ હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને દેશભક્તિના રંગને ફરી રંગીન કરતી આ ફિલ્મ છે. 

પોપ્યુલર જોડીનું કમબેક
આ ફિલ્મમાં એક લાંબા સમય બાદ પ્રીતિ ઝિન્ટા જોવા મળશે. એક સમયની સૌથી પોપ્યુલર જોડી ફરીવાર સ્ક્રિન શૅર કરી રહી છે. સૂત્રોમાંથી વિગત એવી પણ મળી રહી છે કે, આ ફિલ્મનું શુટિંગ ઘણા સમય પહેલા શરૂ થઈ ગયું હતું અને તમામ કામકાજ પૂર્ણ થતા જ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. આ પછી ફેન્સની પ્રતિક્રિયા સામે આવી હતી. આ ફિલ્મના ટીઝરના લોકો વખાણ કરી રહ્યા છે. અનેક ફેન્સ સન્ની પાજીની બોર્ડર ફિલ્મને યાદ કરી રહ્યા છે. વાત બોબી દેઓલની કરવામાં આવે તો આલ્ફામાં એનો એક અલગ સીન જોવા મળે છે. વિલનના રોલમાં એ એટલો ઝડપથી ઓળખાતો નથી. ફિલ્મની થીમને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ હતી.