Sat Sep 12 2026

Logo

ગુજરાતમાં મેઘતાંડવ: ડાંગના વઘઈમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો, તાપીમાં બેના મોત

2026-07-03 22:04:12
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં મેઘતાંડવ: ડાંગના વઘઈમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો, તાપીમાં બેના મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગન આંકડા પ્રમાણે 3 જૂલાઈએ સવારે 06:00 થી સાંજના 06:00 વાગ્યા સુધીના માત્ર 12 કલાકમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં 337 મિમી (13.27 ઇંચ) અને સુરતના અંબિકામાં 321 મિમી (12.64 ઇંચ) નોંધાયો છે. આ ઉપરાંત, ડાંગના સુબિરમાં 300 મિમી અને જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં 296 મિમી વરસાદ ખાબક્યો છે.

સાંજે 6 વાગ્યા સુધીમાં કેટલો વરસાદ નોંધાયો?

સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. માંગરોળમાં 295 મિમી વરસાદ નોંધાયો છે.. ખાસ કરીને સાંજના 04:00 થી 06:00 વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં જૂનાગઢના મેંદરડામાં 114 મિમી (04.49 ઇંચ), માંગરોળમાં 102 મિમી અને કેશોદમાં 101 મિમી વરસાદ તૂટી પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ સરેરાશ 76.92 મિમી વરસાદ નોંધાયો છે, જે કુલ સરેરાશના 08.46% જેટલો થાય છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 160.24 મિમી અને સૌરાષ્ટ્રમાં 79.63 મિમી સરેરાશ વરસાદ થયો છે.

33 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ ખાબક્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં અત્યાર સુધીમાં સરેરાશ 24.17 મિમી વરસાદ પડ્યો છે. જેમાં જૂનાગઢના માંગરોળ, કેશોદ અને માલીયા હાતીયા, જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડા અને વેરાવળમાં સૌથી વધારે વરસાદ ખાબક્યો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ભારે વરસાદને કારણે માળિયા હાટીના ગામ નજીકથી પસાર થતી મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તાપીના ડોલવણ તાલુકામાં પણ 12 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાલોડ ગામે પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી બે મજૂરો મોત નિપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. જાફરાબાદ અને વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. 

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો

હવામાનની આંકડા પ્રમાણે રાજ્ય પર સર્જાયેલી પાંચ જેટલી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો છે. માંગરોળમાં 13 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડ્યો છતાં આ સિઝનનો માત્ર 8 ટકા વરસાદ જ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં માત્ર સરેરાશ 8.46 ટકા વરસાદ નોંધાયો છે. 2023માં 108.16 ટકા, 2024માં 143.14 ટકા અને 2025માં 128.57 ટકા વરસાદ વરસ્યો હતો. આ વર્ષે અલ નીનોના કારણે ગુજરાતમાં વરસાદ ઓછો પડી રહ્યો છે.