મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના નિવાસસ્થાને ગોળીબાર કરવાના 2024ના કેસમાં ‘નિષ્પક્ષ ખટલા અને ન્યાયના હિતમાં’ શરણે થવાની દરખાસ્ત સાથે તિહાર જેલમાં બંધ ગૅન્ગસ્ટર અનમોલ બિશ્ર્નોઈએ મુંબઈની વિશેષ અદાલતમાં અરજી કરી હતી.કુખ્યાત ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના નાના ભાઈ અનમોલને ગયા વર્ષના નવેમ્બરમાં યુએસથી પ્રત્યર્પણ દ્વારા ભારત લવાયો હતો. પછી નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ તેની ધરપકડ કરી હતી. અનમોલનો ભાઈ લૉરેન્સ પણ અત્યારે જેલમાં બંધ છે.
સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવા સહિત અનેક સંવેદનશીલ કેસોમાં અનમોલ વૉન્ટેડ દર્શાવાયો છે. બાન્દ્રાના ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબારના કેસની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે.સ્પેશિયલ એમસીઓસીએ કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં અનમોલે જણાવ્યું હતું કે તે ‘હાલમાં ચાલતા ખટલાનો સામનો કરવા અને નિષ્પક્ષ ટ્રાયલના હિતમાં અદાલતી કાર્યવાહીમાં જોડાવા અને ન્યાયના હિતમાં’ કોર્ટ સમક્ષ સ્વૈચ્છિક શરણે થવા માગે છે.
તેણે જણાવ્યું છે કે અન્ય મામલામાં (એનઆઈએ) કાયદાના નિયંત્રણ હેઠળ હોવાથી યોગ્ય આદેશ વિના તે વિશેષ અદાલત સમક્ષ પ્રત્યક્ષ હાજરી આપી શકશે નહીં. તેણે ભારપૂર્વક જણાવ્યું છે કે પોતે શરણે થશે તેની વિધિસર નોંધ અને વર્તમાન કેસમાં વર્ચ્યુઅલ અથવા ફિઝિકલ રિમાન્ડ પ્રક્રિયા થાય તે માટે તેની કોર્ટ સમક્ષ હાજરી મહત્ત્વપૂર્ણ છે.અનમોલે કોર્ટને પોતાની હાજરી માટે તિહાર જેલને પ્રોડક્શન વૉરન્ટ જારી કરવા વિનંતી કરી હતી.
‘ફરિયાદ પક્ષને કોઈ પૂર્વગ્રહ નડશે નહીં. વાસ્તવમાં તે ટ્રાયલ અને કાનૂની કાર્યવાહી ઝડપી બનાવી શકશે અને કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ ટાળી શકાશે,’ એવું પણ અરજીમાં જણાવાયું છે.
બાઈક પર આવેલા વિકી ગુપ્તા અને સાગર પાલે 14 એપ્રિલ, 2024ની વહેલી સવારે બાન્દ્રાના ગૅલેક્સી એપાર્ટમેન્ટમાં આવેલા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કર્યો હતો. બાદમાં પોલીસે ગુપ્તા, પાલ, સોનુકુમાર બિશ્ર્નોઈ, મોહમ્મદ રફીક ચૌધરી અને હરપાલ સિંહની ધરપકડ કરી હતી. હાલમાં એ અદાલતી કસ્ટડીમાં છે. એક આરોપી અનુજકુમાર થાપણે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી. આ કેસમાં લૉરેન્સ બિશ્ર્નોઈને પણ ફરાર આરોપી દર્શાવાયો છે. (પીટીઆઈ)