Fri Jul 03 2026

Logo

મુંબઈ લોકલમાં મહિલાઓની સુરક્ષા માટે મોટો નિર્ણય: રાત્રે 9 થી સવારે 8 વાગ્યા સુધી લેડીઝ કોચમાં તહેનાત રહેશે હોમગાર્ડ

2026-07-03 16:10:39
Author: Darshana Visaria
Article Image

મુંબઈ: મુંબઈની જીવાદોરી ગણાતી ઉપનગરીય લોકલ ટ્રેનોમાં છેલ્લા કેટલાક દિવસોથી મુસાફરો પર હુમલા, ચેઈન સ્નેચિંગ, પોકેટમારી, મોબાઈલ ચોરી અને નશાખોરોનો આતંક સતત વધી રહ્યો છે. તાજેતરમાં જ ચર્ચગેટ- નાલાસોપારા લોકલમાં ટ્રેનની અંદર જ એક મુસાફરની હત્યાની ચોંકાવનારી ઘટના પણ સામે આવી હતી. આ તમામ ગંભીર બનાવો અને વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે મહિલા મુસાફરોની સુરક્ષા માટે એક ખૂબ જ મોટો નિર્ણય લીધો છે, જેની સત્તાવાર જાહેરાત વિધાનસભામાં કરવામાં આવી છે.

વિધાનસભામાં વિધાનસભ્ય રવીન્દ્ર ફાટક દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે જાહેરાત કરી હતી કે, મુંબઈ લોકલ ટ્રેનમાં મહિલા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાત્રે 9:00 વાગ્યાથી લઈને સવારે 8:00 વાગ્યા સુધી મહિલાઓના ડબ્બામાં સુરક્ષા રક્ષકો અને હોમગાર્ડની નિયુક્તિ કરવામાં આવશે. આ નિર્ણયની તાત્કાલિક અસરથી અમલવારી શરૂ કરી દેવામાં આવશે. આ સિવાય રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને ટૂંક સમયમાં એક હાઈ-લેવલ બેઠક પણ યોજાશે.

યોગેશ કદમે જણાવ્યું કે, મુંબઈ લોકલમાંથી રોજ 75થી 80 લાખ મુસાફરો પ્રવાસ કરે છે, તેથી દરેક વ્યક્તિનું વ્યક્તિગત સ્કેનિંગ કરવું અશક્ય છે. પરંતુ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. હાલમાં 177 રેલવે સ્ટેશનો પર આશરે 6,900 સીસીટીવી કેમેરા કાર્યરત છે અને 20 પોલીસ સ્ટેશનો દ્વારા 24 કલાક તેનું મોનિટરિંગ થાય છે. આ સિવાય 'ફેશિયલ રેકગ્નિશન' (ચહેરો ઓળખવાની ટેકનોલોજી)નો પણ ઉપયોગ શરૂ કરાયો છે, જેના કારણે તાજેતરમાં જ એક ગંભીર ગુનાના આરોપીને માત્ર 15 કલાકમાં પકડી પાડવામાં આવ્યો હતો.

રેલવે પોલીસે મુસાફરોની મદદ માટે 1512 હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે, જેના પર અત્યાર સુધીમાં 1.56 લાખથી વધુ કોલ્સ આવ્યા છે. આ હેલ્પલાઈનની મદદથી પોલીસે 56 હજાર મુસાફરોના અંદાજે 4.36 કરોડ રૂપિયા પરત અપાવવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત, ટ્રેનોમાં નશો કરનારા અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા 303 ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યા છે, જ્યારે 177 લોકો સામે ડ્રગ્સ અને દારૂ પીવા બદલ કડક કાર્યવાહી કરાઈ છે.

મુંબઈ લોકલમાં થતા અકસ્માતો અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે, રેલવે લાઈન પર એવા 63 સ્થળોની ઓળખ કરવામાં આવી છે જ્યાં સૌથી વધુ અકસ્માતો થાય છે. અકસ્માતો અટકાવવા માટેના ઉપાયો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ, અકસ્માતનો ભોગ બનેલા લોકોને તુરંત સારવાર મળી રહે તે માટે મુંબઈના તમામ 177 રેલ્વે સ્ટેશનો પર 'મેડિકલ રૂમ' શરૂ કરવા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. મુસાફરોની સંખ્યાના પ્રમાણમાં પોલીસ વિભામાં મેનપાવર ઓછું હોવાથી રેલવે પોલીસની સંખ્યા વધારવા માટે પણ કેન્દ્ર સરકાર પાસે માંગ કરવામાં આવશે.