Sun Sep 06 2026

Logo

જોધપુરમાં શાહી મહેલ જેવું એરપોર્ટ નિર્મિત, પીએમ મોદી શનિવારે કરશે લોકાર્પણ

2026-07-03 17:22:00
Author: Chandrakant Kanoja
જોધપુરમાં શાહી મહેલ જેવું એરપોર્ટ નિર્મિત, પીએમ મોદી શનિવારે કરશે લોકાર્પણ

જોધપુર: રાજસ્થાનના શાહી વારસામાંથી પ્રેરણા લઇને જોધપુરમાં રૂપિયા 480 કરોડના ખર્ચે શાહી મહેલ જેવું ભવ્ય એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. જેનું પીએમ મોદી શનિવારે 4 જુલાઇના રોજ ઉદ્ઘાટન કરવાના છે. આ એરપોર્ટ વાર્ષિક 20 લાખ મુસાફરોની  અવર જવરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.  જોધપુરના નવા એરપોર્ટ ટર્મિનલની ડિઝાઇન શહેરની ઐતિહાસિક ઓળખને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

એરપોર્ટ પર અનેક વિશેષતાઓ 

જોધપુરનું એરપોર્ટ અનેક વિશેષતાઓ ધરાવે છે.  તેની ડિઝાઇન રાજસ્થાનના શાહી વારસામાંથી પ્રેરણા લઇને બનાવવામાં આવી છે. જેમાં કમાનો અને પરંપરાગત ઝરોખાનો સુંદર ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. વૈશ્વિક સુવિધાઓથી સજ્જ  આ ટર્મિનલ જોધપુરમાં પર્યટન, વેપાર અને રોજગારને વેગ આપશે. 

ટર્મિનલના પ્રવેશદ્વાર પર એક વિશાળ કોતરણી કરેલ ગુંબજ

આ ઉપરાંત જોધપુર એરપોર્ટના ટર્મિનલના પ્રવેશદ્વાર પર એક વિશાળ કોતરણી કરેલ ગુંબજ, કમળ આકારના ફિનિયલ, કમાનો અને ગ્લાસ ફાઇબર-રિઇનફોર્સ્ડ કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે ટર્મિનલની અંદર સ્થાનિક કલાકારો દ્વારા બનાવેલી કલાકૃતિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ કલાકૃતિઓ મરુધરા, શાહી દરબાર અને મારવાડી સંસ્કૃતિના પરંપરાગત મોરને આધુનિક શૈલીમાં દર્શાવે છે.

પીએમ મોદી મોડીફાઈડ ઉડાન યોજના પણ શરૂ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જુલાઈ 2026 ના રોજ સવારે 10.45  વાગ્યે જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત પીએમ મોદી મોડીફાઈડ ઉડાન યોજના પણ શરૂ કરશે.જે દેશમાં પ્રાદેશિક હવાઈ સેવાને નવી દિશા આપશે.