નવી દિલ્હી: દેશમાં સાયબર ગુનેગારો દરરોજ લોકોને છેતરવા માટે અવનવા રસ્તાઓ અપનાવતા હોય છે. હવે આ ઠગોએ સામાન્ય નાગરિકોને શિકાર બનાવવા માટે એક ખતરનાક અને નવો રસ્તો શોધી કાઢ્યો છે, જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ નવા સ્કેમમાં સાયબર બદમાશો ભારત સરકારના અધિકૃત 'નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ' જેવા જ દેખાતા નકલી પોર્ટલ અને સ્ક્રીનશોટનો ઉપયોગ કરીને લોકોને પોતાના જાળમાં ફસાવી રહ્યા છે.
બનાવવામાં આવી રહ્યા છે ટાર્ગેટ?
આ સ્કેમની સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે, આમાં એવા લોકોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે જેઓ પહેલેથી જ કોઈ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે અને તેની ફરિયાદ નોંધાવવા માટે ગૂગલ કે અન્ય બ્રાઉઝર પર સરકારી સાયબર પોર્ટલ સર્ચ કરી રહ્યા છે.
જ્યારે કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમની રિપોર્ટ કરવા માટે ઓનલાઈન સર્ચ કરે છે, ત્યારે સર્ચ રિઝલ્ટમાં અસલી પોર્ટલની સાથે ગુનેગારો દ્વારા બનાવવામાં આવેલું નકલી પોર્ટલ પણ દેખાય છે. જો કોઈ નાગરિક ભૂલથી આ નકલી વેબસાઈટ પર ક્લિક કરી દે છે, તો તેની પાસે અંગત વિગતો માંગવામાં આવે છે.
ડિવાઈઝ બ્લોક કરવાનો ડર બતાવીને પૈસાની માંગણી
સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ, આ નકલી વેબસાઈટ પર એવો દાવો કરવામાં આવે છે કે તમારું ડિવાઈસ બ્લોક થઈ ગયું છે. ત્યારબાદ સ્ક્રીન પર એક નકલી પોપ-અપ મેસેજ બતાવીને ડિવાઈસને અનલોક કરવાના નામે દંડ અથવા ચાર્જ પેટે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાની માંગણી કરવામાં આવે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આવી સ્થિતિમાં સહેજ પણ ગભરાવાની જરૂર નથી અને કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરવું નહીં, કારણ કે અસલી સરકારી પોર્ટલ ક્યારેય પેમેન્ટ માટે આવી લિંક્સ મોકલતું નથી.
સાયબર ફ્રોડથી બચાવશે આ ટિપ્સ:
જો તમારે સાયબર ક્રાઈમ સંબંધિત કોઈ ફરિયાદ નોંધાવવી હોય, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો-
- ડાયરેક્ટ URL ટાઈપ કરો: ગૂગલ પર સર્ચ કરવાને બદલે બ્રાઉઝરના સર્ચ બોક્સમાં સીધું જ http://cybercrime.gov.in લખીને જ સર્ચ કરો. આ તમને સીધા સત્તાવાર સરકારી પોર્ટલ પર લઈ જશે.
- પોપ-અપ્સની અવગણના કરો: સ્ક્રીન પર આવતા એવા કોઈપણ પોપ-અપ મેસેજને ઇગ્નોર કરો જેમાં તમારું ડિવાઈસ બ્લોક થવાની ધમકી આપવામાં આવી હોય.
- સરકાર ક્યારેય પૈસા નથી માંગતી: ભારત સરકાર કે સાયબર ડિપાર્ટમેન્ટ ક્યારેય પણ કોઈપણ રેન્ડમ લિંક કે પોપ-અપ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કે દંડની માંગણી કરતું નથી.
- શંકાસ્પદ લિંકની તપાસ: જો તમને કોઈ વેબસાઈટ નકલી લાગે, તો તેની ફરિયાદ કરવા માટે અસલી વેબસાઈટના "Check & Report" સેક્શનનો ઉપયોગ કરો.
- હેલ્પલાઈન નંબર: જો તમારી સાથે કોઈપણ પ્રકારની નાણાકીય કે ડિજિટલ છેતરપિંડી થઈ હોય, તો તુરંત જ નેશનલ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવો.