Tue May 19 2026

Logo

મુંબઈના ૪૮ ‘બ્લેક સ્પોટ’ની સુરક્ષામાં વધારો કરાશે

2026-05-19 08:37:00
Author: Sapna Desai
Article Image

અમર મહેલ, કિંગ સર્કલ,  હાજી અલી, સાકીનાકા જેવા રસ્તાઓનો સમાવેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ શહેરમાં રસ્તાઓ પર વધતા જતા અકસ્માતોને રોકવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં ૪૮ એક્સિડન્ટના સંભવિત સ્થળ જેને સામાન્ય રીતે બ્લેક સ્પોટ તરીકે ઓળખાય છે તેવા રોડની સુરક્ષામાં સુધારો કરવાની છે, તે માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડયા છે. પાલિકા આ પ્રોજેક્ટ માટે લગભગ ૨૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઈવે વિભાગની ગાઈડલાઈન મુજબ બ્લેક સ્પોટ અથવા બ્લાઈન્ડ સ્પોટ એ ૫૦૦ મીટરનો કોઈ પણ રસ્તો છે જયાં ત્રણ વર્ષના ગાળામાં ઓછામાં ઓેછા પાંચ મોટા અક્સમાત નોંધાયા છે. મંત્રાલય દ્વારા એવા સ્થળોને પણ બ્લેક સ્પોટ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે જ્યાં ત્રણ વર્ષના સમયગાળામાં ૧૦ કે તેથી વધુ અક્સમાત થયા છે. શોર્ટ લિસ્ટ કરાયેલા બ્લેક સ્પોટ મુંબઈના સૌથી વ્યસ્ત ટ્રાફિક કોરિડોર અને ઈન્ટરસેકશનમાંના એક છે, જ્યાં વાહનોની ઘનતા અને વધુ ભીડ રહેતી હોય છે. 

મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં ઓળખી કાઢવામાં આવેલા સૌથી વ્યસ્ત ટ્રાફિક જંકશન અને એવા રસ્તાઓ કે જયાં દિવસના મોટાભાગના સમયે ભારે ટ્રાફિક રહેતો હોય છે, જેમાં   ઘાટકોપરનું અમર મહેલ જંકશન, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે-જોગેશ્ર્વરી વિક્રોલી લિંક રોડ  ઈન્ટરસેકશન, સાયન સર્કલ જંકશન, કિંગ સર્કલ, સાકીનાકા જંકશન, હાજીઅલી જંકશન, મીઠ ચોકી, બિંદુમાધવ ઠાકરે જંકશન, માહિમ જંકશન, છેડા નગર જંકશનનો સમાવેશ થાય છે.

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ઓળખી કાઢવામાં આવેલા બ્લોક સ્પોટ પર રાહદારીઓને ચાલવા માટે અપૂરતી જગ્યા છે. વારંવાર એક્સિડન્ટ થાય છે. તેથી અહીં  સરળતાથી વાહન ચલાવી શકાય તે મુજબ રસ્તાઓ સુરક્ષિત બનાવશે, જેમાં ક્ષતિગ્રસ્ત ભાગોને સમથળ કરવાની સાથે તેને કૉંક્રીટના બનાવશે. તેમ જ રોડની સુરક્ષા વધારવા થર્મોપ્લાસ્ટિ રોડ સાઈન, લેન માર્કિંગ, ડિવાઈડરને કાળો-પીળો રંગ કરવાનું પણ કામ કરવામાં આવશે.  પ્રોજેક્ટના ભાગરૂપે સાયન સર્કલ જંકશન અને કિંગ સર્કલ જંકશન પરના રસ્તાને ટકાઉ કૉંક્રીટ એગ્રીગેટથી મજબૂત બનાવશે, જેથી સપાટી એક સમાન અને લાંબા સમય સુધી ટકી રહે. એ સિવાય રાહદારીઓને ચાલવા માટે ક્રોસિંગ અને ફૂટપાથ પહોળા કરવાની સાથે ઓવરસ્પીડિંગને રોકવા માટે રમ્બલ સ્ટ્રીપ્સ અને સ્પીડ બ્રેકર્સ બેસાડવામાં આવશે.