મુંબઈ: મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી) દ્વારા લેવાતી ડ્રગ ઇન્સ્પેક્ટરની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે નંદુરબારથી ઋતુજા પાટીલની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસમાં અગાઉ ધરપકડ કરેલા છમાંથી એક આરોપીને પરીક્ષાનું લીક થયેલું પેપર મળ્યું હતું, જે તેણે તેની પુત્રી ઋતુજાને આપ્યું હતું. પરીક્ષામાં સાતમો ક્રમ મેળવનારી ઋતુજાને પરીક્ષામાં 10 પ્રશ્ર્નોના જાણીજોઇને ખોટા જવાબ લખવાની સલાહ આપવામાં આવી હતી, જેને કારણે શંકા ન જાય.
એમપીએસસી દ્વારા ડ્રગ ઇન્સ્પેક્ટર (ગ્રૂપ-2)ની પરીક્ષા 22 માર્ચ, 2026ના રોજ યોજાઇ હતી. જોકે પરીક્ષા અગાઉ પ્રશ્ર્નપત્રોમાંથી ગેરકાયદે રીતે પ્રશ્ર્નો મેળવાયા બાદ એક અલગ સૅટ તૈયાર કરીને તેને અન્યોને વહેંચવામાં આવ્યા હતા. આ પ્રકરણે તપાસ કરવામાં આવ્યા બાદ પચીસમી ઑગસ્ટે ગુનો દાખલ કરાયો હતો.
ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે આ કેસમાં અગાઉ એમપીએસસીના આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર વિશ્ર્વેશ્ર્વર દત્તાત્રય નકાતે અને ગોપાલ મરાઠે, એમપીએસસીના એડિશનલ સેક્રેટરી અભિજીત ગણપતરાવ લેંડવે, નંદુરબારની કૌટિલ્ય એકેડમીના સંચાલક પ્રવીણ દિલીપ પાટીલ સહિત અમૃત પાટીલ અને લોકેશ ઉર્ફે ગૌરવ રાજેન્દ્ર પાટીલની ધરપકડ કરી હતી.
આરોપી ગૌરવ પાટીલ તેમ જ ઋતુજા વચ્ચે પ્રેમસંબંધ હતો. ગૌરવનો ભાઇ અને ઋતુજા પરીક્ષા આપી રહ્યાં હતાં. ઋતુજાના પિતા અમૃત પાટીલે પરીક્ષાના પેપર માટે પ્રવીણ પાટીલનો સંપર્ક કર્યો હતો. અમૃત પાટીલને બાદમાં પરીક્ષાનું લીક થયેલું પેપર મળ્યું હતું અને તેણે પેપર પુત્રી ઋતુજાને આપ્યું હતું. ઋતુજાએ પેપર બાદમાં ગૌરવને આપ્યું હતું.
દરમિયાન ઋતુજા અને ગૌરવ વચ્ચે બ્રેક-અપ થયા બાદ તેને ઋતુજા પ્રત્યે ઇર્ષ્યા થવા લાગી હતી. આથી ગૌરવે ગુસ્સામાં એમપીએસસીને પેપર લીકની જાણકારી આપી હતી, જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.