Sun Oct 04 2026

Logo

ગીર સોમનાથમાં ફાસ્ટટેગની માથાકૂટમાં મોરબી ભાજપના મહામંત્રી પર હુમલાની ઘટનામાં 11 આરોપી ઝડપાયા

2026-06-22 20:57:00
Author: Devayat Khatana
ગીર સોમનાથમાં ફાસ્ટટેગની માથાકૂટમાં મોરબી ભાજપના મહામંત્રી પર હુમલાની ઘટનામાં 11 આરોપી ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
ગીર સોમનાથ જિલ્લાના ડારી ટોલનાકા ખાતે ફાસ્ટટેગ સ્કેન કરવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફરિયાદની વિગતો અનુસાર, સોમનાથ મંદિરના દર્શન કરીને પરિવાર સાથે દ્વારકા તરફ જઈ રહેલા મોરબી જિલ્લાના ભાજપના મહામંત્રી અને કન્સ્ટ્રક્શન વ્યવસાયી તપનકુમાર દવેની કાર ટોલબુથના સ્કેનર સામે આવી ત્યારે ટેકનિકલ ખામીને કારણે ફાસ્ટટેગ સ્કેન થયું નહોતું. ટોલબુથના કર્મચારીએ કાર રિવર્સ લેવા માટે દબાણ કર્યું હતું સહિતની બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જો કે ઘટનામાં મારામારી, લૂંટફાટ અને ધમકી સહિતના આક્ષેપ થયા હતા. 

પોલીસ ફરિયાદના આક્ષેપ અનુસાર, ટોલનાકાના કર્મચારીની સૂચના મળતા જ 12 જેટલા માણસોની ટોળી ફરિયાદીની કાર પાસે ધસી આવી હતી અને બેફામ ગાળો ભાંડી માર માર્યો હોવાનો આક્ષેપ થયો હતો. આ ટોળા પૈકીના ભગીભાઈ આહીર નામના શખ્સે ફરિયાદીને પ્લાસ્ટિકની પાઇપ વડે માથાના પાછળના ભાગે બે ઘાતક ફટકા મારી ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. આ હિંસક ઝપાઝપી અને હુમલા દરમિયાન આરોપીઓ પૈકીના કોઈ શખ્સે ફરિયાદીના જમણા હાથના કાંડામાંથી રૂપિયા દોઢ લાખની કિંમતની આશરે ત્રણ તોલા વજનની સોનાની લકી ઝૂંટવી લીધી હતી. 

આ ચકચારી ઘટના અંગે ભોગ બનનાર તપનકુમાર દવેએ પ્રભાસ પાટણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરી લીધી હતી અને 11 આરોપીઓની અટકાયત કરી લીધી હતી. પોલીસે આ ગુનામાં મુખ્ય હુમલાખોર ભગીભાઈ આહીર, નીતિનભાઈ મકવાણા, કાનજીભાઈ મેવાડા, લક્ષ્મણભાઈ ગઢવી, નવીનભાઈ બોરીચા, ભુપતભાઈ મકવાણા, લાલો આહીર, નિકુંજ બકોતરા, પરબતભાઈ બારડ, તૃપાલભાઈ આહીર, જયેશભાઈ રામ અને અરજણભાઈ પંપાણિયા સહિત કુલ 12 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.