Tue Jun 23 2026

Logo

યુકે સાથેના મુક્ત વેપાર મારફતે ઈલેક્ટ્રિક વાહનોની બજારની તક જોઈ રહેલા ભારતીય પેસેન્જર વાહનોના ઉત્પાદકો

2026-06-22 20:19:06
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ યુકે સાથે ભારતનાં થયેલા મુક્ત વેપાર કરાર અંતર્ગત ક્વૉટા યંત્રણા હેઠળ નિર્દિષ્ટ ભાવના સેગ્મેન્ટમાં ડ્યૂટીમુક્ત નિકાસને મંજૂરી હોવાથી મારુતિ સુઝુકી, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલ જેવાં સ્થાનિક ઑટો ઉત્પાદકો યુકે ખાતેની ઈલેક્ટ્રિક વાહનોની બજાર અંકે કરવાની તક જોઈ રહ્યા છે. 

ગત સપ્તાહે જાહેર કરવામાં આવેલા કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક ઍન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (સીઈટીએ)ના ડૉક્યુમેન્ટ અનુસાર ભારતને યુકેની ઈલેક્ટ્રિક, હાઈબ્રિડ/હાઈડ્રોજન પેસેન્જર કાર સેગ્મેન્ટમાં છઠ્ઠા વર્ષથી યુનિટદીઠ 20,000થી 80,000 ગે્રટ બિટન પાઉન્ડના ભાવના સેગ્મેન્ટમાં ડ્યૂટીમુક્ત ધોરણે નિકાસ માટે એક્સેસ આપવામાં આવ્યું છે, જ્યારે 15 વર્ષ સુધીમાં કુલ ક્વૉટાની માત્રા 88,000 યુનિટ સુધી પહોંચાડવામાં આવશે. 

ભારત અને યુકે વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર આગામી 15મી જુલાઈથી અમલી બનશે અને આ કરાર થકી આગામી વર્ષ 2030 સુધી દ્વીપક્ષીય વેપાર બમણો થઈને 100 અબજ ડૉલર સુધી પહોંચવાનો આશાવાદ છે. 

ભારત અને યુકે વચ્ચેનાં મુક્ત વેપાર કરાર એક સકારાત્મક વિકાસ છે, જે ભારતમાં ઉત્પાદિત ઈલેક્ટ્રિક વાહનો માટે નવી તકો ઊભી કરી શકે છે, એમ મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા લિ.નાં ઑટોમેટિવ બિઝનૅસના પ્રેસિડૅન્ટ વેલુસમીએ જણાવ્યું હતું. વધુમાં કે યુકેમાં ઈવી સેગ્મેન્ટમાં પ્રવેશવાની મહિન્દ્રાની યોજનાઓ અંગે તેમણે જણાવ્યું હતું કે અગાઉ જણાવ્યું હતું તેમ યુકે રાઈટ હૅન્ડ ડ્રાઈવ બજારમાંનું એક છે અને અમે અમારા ઈલેક્ટ્રિક એસયુવી પોર્ટફોલિયોના વૈશ્વિક વિસ્તરણના ભાગરૂપે મૂલ્યાંકન કરીશું. તેમ જ યોગ્ય નિર્ણય લેતા પૂર્વે કરારની વિગતો અને બજારની તકોનો પણ અભ્યાસ કરીશું. 

તે જ પ્રમાણે આશાવાદ વ્યક્ત કરતાં મારુતિ સુઝુકીનાં કોર્પોરેટ બાબતોના વિરિષ્ઠ અધિકારી રાહુલ ભારતીએ જણાવ્યું હતું કે અમારું માનવું છે કે ભારતમાં ઉદારીકરણને આવકારવા અને નિકાસની તકો માટે તેનો ઉપયોગ કરવાની સ્પર્ધાત્મકતા છે અને અમે યુકે સાથેનાં આ કરાર બદલ ભારત સરકારનો આભાર માનીએ છીએ, વધુ તેમણે ઉમેર્યું હતું કે અમે યુરોપમાં ઈ-વિટારાની નિકાસ શરૂ કરી છે અને શરૂઆતના નવ મહિનાની અંદર લગભગ 36,000 યુનિટની નિકાસ કરી છે અને યુકે ટોચનું બજાર છે તેથી અમારું માનવું છે કે આ કરાક `મેક ઈન ઈન્ડિયા ફોર ધ વર્લ્ડ' માટે વધુ સકારાત્મક રહેશે. 

વધુમાં ભારત-યુકે મુક્ત વેપાર કરાર દ્વિપક્ષીય વેપારને ગાઢ, ટકા અને ગતિશીલતા વધારવાની દિશામાં એક સકારાત્મક પગલું લેખાવતા ટાટા મોટર્સ પેસેન્જર વેહિકલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તબક્કાવાર ક્વૉટા આધારિત માળખું યુકેમાં ભારતીય ઉત્પાદિત ઈલેક્ટ્રિક વાહનો માટે નિકાસની નવી તકો ખોલશે અને સ્થાનિક ઉદ્યોગની લાંબાગાળાની સ્પર્ધાત્મકતાને ટેકો આપે છે. 

નોંધનીય બાબત એ છે કે આ કરાર હેઠળ ભારતમાં ઉત્પાદિત થયેલી ઈલેક્ટ્રિક, હાઈબ્રિડ/હાઈડ્રોજન પેસેન્જર કારને છઠ્ઠા વર્ષથી દરેક સેગ્મેન્ટ માટે ચોક્કસ ક્વૉટા પર અને 20,000 ગે્રટ બ્રિટન પાઉન્ડ(જીબીપી)થી નીચે, 20,000થી 40,000 જીબીપી અને 40,000થી 80,000 જીબીપીના મૂલ્ય આધારિતનાં વાહનોને યુકેની બજારમાં એક્સેસને મંજૂરી આપવામાં આવશે. જોકે, ભારતમાં બનેલી 80,000 જીબીપીથી વધુ કિંમતની ઈલેક્ટ્રિક, હાઈબ્રિડ/હાઈડ્રોજન કારને કરાર હેઠળ કોઈપણ ડ્યૂટીમાંથી બાકાત રાખવામાં આવી છે.