Sat Sep 05 2026

Logo

લખનઉમાં આગની ઘટનામાં 15 લોકોના મોત, તપાસ માટે એસઆઇટીની રચના

2026-06-22 22:50:12
Author: Chandrakant Kanoja
લખનઉમાં આગની ઘટનામાં 15 લોકોના મોત, તપાસ માટે એસઆઇટીની રચના

લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉના અલીગંજ વિસ્તારમાં બિલ્ડિંગના એનિમેશન ટ્રેનિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધી 15  લોકોના મોત થયા છે.  આ કેસની ગંભીરતાને પગલે સીએમ યોગી આદિત્યનાથે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી તેમજ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. તેની બાદ આ ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ લખનઉ પહોંચ્યા છે. તેમજ ઘટના સ્થળ અને હોસ્પિટલમાં ઘાયલોને મળશે. 

ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરી

આ દુર્ઘટના બાદ  યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌના એક કોચિંગ સેન્ટરમાં લાગેલી દુ:ખદ આગની ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. આ ટીમમાં મુખ્ય સચિવ અમૃત અભિજાત અને એડીજી (લખનઉ  ઝોન) પ્રવીણ કુમારનો સમાવેશ થાય છે.  જે અકસ્માતના કારણોની તપાસ કરશે.

મોટાભાગના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા હતા

જ્યારે કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી કોલેજના સીએમએસ પ્રેમ રાજ સિંહે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં લાવવામાં આવેલા 15 લોકો મૃત હતા. તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે સાત કે આઠ અન્ય વ્યક્તિઓને પણ લાવવામાં આવ્યા હતા. જેમાંથી બે ને સામાન્ય ઇજાઓ થઈ હતી. એક યુવાનને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી. જ્યારે એક યુવતીને પગમાં ઈજા થઈ હતી. મોટાભાગના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા હતા.

પીએમ મોદી અને યોગી આદિત્યનાથે નાણાકીય સહાયની જાહેરાત કરી 

ઉલ્લેખનીય છે કે, લખનઉના અલીગંજમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટના અને પીએમ મોદી સહિત અનેક રાજનેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમજ પીએમ મોદી બાદ  મુખ્યમંત્રી યોગીએ પણ અલીગંજ કોચિંગ સેન્ટર આગની ઘટનામાં મૃતકોના પરિવારજનો માટે નાણાકીય સહાયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર  રૂપિયા 5 લાખની નાણાકીય સહાય આપશે. જેમાં ઘાયલોને રૂપિયા 50,000 ની નાણાકીય સહાય મળશે.