Sun Sep 13 2026

Logo

ફાઈનાન્સના ફંડાઃ રોકાણ વગરની બચત એટલે વધુ પડતી  ચૂકવવી પડતી સુરક્ષાની છૂપી કિંમત...

2026-06-23 08:43:00
Author: Mitali Mehta
ફાઈનાન્સના ફંડાઃ રોકાણ વગરની બચત એટલે વધુ પડતી  ચૂકવવી પડતી સુરક્ષાની છૂપી કિંમત...

 

મિતાલી મહેતા

આ અગાઉના લેખમાં આપણે સમજ્યા હતા કે અસાધારણ ઊંચા વળતરની લાલચ ક્યારેક રોકાણકારોને બિનજરૂરી જોખમ તરફ ધકેલી શકે છે, પરંતુ દરેક નાણાકીય ભૂલ વધુ જોખમ લેવાથી જ થતી નથી. ઘણીવાર, જોખમથી સંપૂર્ણપણે દૂર રહેવાની વૃત્તિ પણ એટલી જ મોટી ભૂલ સાબિત થાય છે, જેમકે  આ ઉદાહરણ લઈએ...

મહેશ લગભગ 25 વર્ષ સુધી સંપૂર્ણ શિસ્ત સાથે એક જ નાણાકીય પદ્ધતિનું પાલન કરતો રહ્યો. દર મહિને તે પોતાના પગારનો એક ભાગ નિયમિત રીતે રિકરિંગ ડિપોઝિટમાં જમા કરાવતો. તેણે શેરબજારથી સંપૂર્ણ અંતર જાળવી રાખ્યું હતું. શૅરબજાર બહુ જોખમી છે, તે ઘણીવાર કહેતો. ઓછામાં ઓછા બૅંકમાં તો મારા પૈસા સુરક્ષિત છે.

તેના આ અભિગમનો પરિવાર અને મિત્રો પણ વખાણ કરતા. લોકો તેને જવાબદાર, વ્યવહારુ અને નાણાકીય રીતે સાવચેત વ્યક્તિ તરીકે જોતા અને એક હદ સુધી તે બધા સાચા પણ હતા. મહેશ પર કોઈ દેવું નહોતું, તેની બચત કરવાની આદત સારી હતી અને તેણે ક્યારેય બેફામ ખર્ચ કર્યો નહોતો.

જોકે જેમ જેમ નિવૃત્તિ નજીક આવવા લાગી, તેમ તેમ તેને એક એવી સમસ્યા દેખાવા લાગી જેના વિશે તેણે ક્યારેય ગંભીરતાથી વિચાર્યું નહોતું... દાયકાઓ સુધી સતત બચત કરવા છતાં, તેણે ભેગી કરેલી રકમ એટલી અસરકારક લાગતી નહોતી જેટલી તેણે કલ્પના કરી હતી.

તેનો આરોગ્ય સેવાઓનો ખર્ચ ઝડપથી વધી ગયો હતો. રોજિંદા જીવનના ખર્ચા પણ પહેલાં કરતાં ઘણા વધારે થઈ ગયા હતા. જીવનશૈલી સંબંધિત સામાન્ય લક્ષ્યો માટે પણ હવે ઘણી મોટી રકમની જરૂર પડતી હતી. વર્ષો સુધી પોતાની મૂડીને સુરક્ષિત રાખવામાં મહેશે ધ્યાન આપ્યું, પરંતુ અજાણતાં જ તેણે એક બીજી શાંત શક્તિને અવગણી દીધી હતી અને એ હતી મોંઘવારી.

ભૂલ ક્યાં થાય છે? સુરક્ષાને જ વૃદ્ધિ માની લેવી...: ઘણા લોકો એવું માને છે કે બજાર સાથે જોડાયેલા રોકાણોથી દૂર રહેવાથી તેમનું નાણાકીય ભવિષ્ય આપમેળે વધુ સુરક્ષિત બની જાય છે, પરંતુ સુરક્ષા અને વૃદ્ધિ એક જ વસ્તુ નથી.

ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ જેવી પરંપરાગત બચત યોજનાઓ ચોક્કસપણે સ્થિરતા અને નિશ્ચિતતા આપે છે. નાણાકીય આયોજનમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ છે. પરંતુ જ્યારે નિવૃત્તિ જેવા લાંબા ગાળાનાં  લક્ષ્ય માટે માત્ર ઓછું વળતર આપતાં વિકલ્પો પર જ આધાર રાખવામાં આવે ત્યારે પૈસાની વૃદ્ધિ ઘણીવાર મોંઘવારીની ગતિ સાથે તાલ મેળવી શકતી નથી. પરિણામે, સમય જતાં પૈસાની ખરીદશક્તિ ધીમે-ધીમે ઘટતી જાય છે. 

આ જોખમ એટલા માટે સમજાતું નથી, કારણ કે બૅંક પાસબુકમાં પૈસા દેખાવમાં તો વધતા જ હોય છે, પરંતુ વાસ્તવમાં, તેનાથી ખરીદી શકાય તેવી વસ્તુઓ અને સેવાઓની ક્ષમતા સતત ઘટતી રહે છે.

આવું કેમ થાય છે?: પૈસા ગુમાવવાનો ડર સ્વાભાવિક છે. બજારની અસ્થિરતા, આર્થિક અનિશ્ચિતતા અને રોકાણમાં થયેલા નુકસાનની વાર્તાઓ ઘણા લોકોને ઇક્વિટી રોકાણથી અસ્વસ્થ બનાવે છે. મોટાભાગના લોકો માટે ‘ગેરંટીડ રિટર્ન’ માનસિક રીતે વધુ સુરક્ષિત લાગે છે, ભલે તે વળતર મોંઘવારીને ભાગ્યે જ હરાવી શકતું હોય.

અહીં એક સામાન્ય ગેરસમજ કામ કરે છે: જો મારા રોકાણની કિંમત ક્યારેય ઘટતી નથી, તો તેમાં કોઈ જોખમ નથી, પરંતુ નાણાકીય દૃષ્ટિએ જોવામાં આવે તો, લાંબા ગાળાનાં લક્ષ્ય માટે સંપત્તિ પૂરતી ઝડપે ન વધવી એ જ સૌથી મોટું છૂપું જોખમ છે.

મુખ્ય શીખ: સુરક્ષા અને વૃદ્ધિ વચ્ચે સંતુલન: આનો અર્થ એવો નથી કે લોકોએ બેફામ જોખમ લેવું જોઈએ અથવા પોતાની બધી બચત અસ્થિર રોકાણોમાં મૂકી દેવી જોઈએ. ઉકેલ માત્ર સાચા સંતુલનમાં છે.

ટૂંકા ગાળાની જરૂરિયાતો અને ઇમરજન્સી ફંડ માટે સ્થિરતા અને તરલતા જરૂરી છે, પરંતુ લાંબા ગાળાનાં લક્ષ્ય માટે એવાં રોકાણોની જરૂર પડે છે, જે સમય જતાં મોંઘવારીને પાછળ છોડી શકે.

ટૂંકમાં....
નાણાકીય રીતે સાવચેત રહેવું કોઈ ભૂલ નથી, પરંતુ દાયકાઓ સુધી વધુ પડતા સાવચેત રહેવું એ તમારી નાણાકીય પ્રગતિને મર્યાદિત કરી દે છે.
લાંબા ગાળે સંપત્તિ માત્ર પૈસાને તિજોરીમાં સુરક્ષિત રાખવાથી જળવાતી નથી પણ તેનું યોગ્ય જગ્યાએ રોકાણ કરી સતત વધતી રાખવાથી જ એ જળવાય છે.